સુરત : એક સમયે માત્ર ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિટી (Diamond city) તરીકે ઓળખાતા સુરત (Surat)ની આજે અનેક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ (Global identity) બની ચૂકી છે. તેમાં પણ સુરત બ્રિજ સિટી (bridge city) તરીકે વધુ ખ્યાતિ પામી ચૂકયું છે. રવિવારે પાલ-ઉમરા બ્રિજ (Pal-Umra bridge) રૂપે 115મોં બ્રિજ ખુલ્લો મૂકાયો હતો, ત્યારે નજીકના 6 માસમાં જ બીજા 3 બ્રિજ સુરતીઓને ટ્રાફિકથી રાહત આપશે. મનપા કમિશનર (Municipal commissioner) બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતની ટ્રાફિક સમસ્યાને કાબુમાં રાખવા માટે બ્રિજ મહત્વના પુરવાર થયા છે.
શહેરમાં વધુમાં વધુ બ્રિજનું આયોજન કરીને દુરંદેશીનો પરિચય મનપાના તંત્રવાહકો દ્વારા અપાયો છે. હાલમાં ચાલી રહેલા ત્રણ બ્રિજ પ્રોજેકટ પણ અતિ મહત્વના છે. જેમાં રિંગરોડ અને સહારા દરવાજા ખાતે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મહત્વના એવા સહારા દરવાજા જંકશન, મોટા વરાછા અને નાના વરાછા જંકશનને જોડતો તાપી નદી પરનો બ્રિજ અને ફલાય ઓવર બ્રિજ તેમજ વેડ-વરીયાવ બ્રિજ પણ ડીસેમ્બરમાં ખુલ્લા મુકી શકાય તે રીતે કામ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે, વેડ-વરીયાવ બ્રિજના કારણે વેડરોડ પરથી વરીયાવ જવા માટે લેવો પડતો સાત-આઠ કિ.મી.નો ચકરાવો ઘટી જશે તેમજ રાંદેર અને કતારગામ ઝોન વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. જ્યારે મોટા વરાછા અને નાના વરાછા વચ્ચે પણ વધુ એક કનેક્ટિવિટી મળી રહેશે.
પાલથી ઉમરા જવા માટે અગાઉ છ કિ.મી.નો ચકરાવો લેવો પડતો હતો. તે હવે લેવો પડશે નહીં આમ તો આ બ્રિજ બનાવવાનો નિર્ણય સને 2014માં લેવામાં આવ્યો હતો પરંતુ બાદમાં જમીન સંપાદનના મામલે વિલંબ થતાં આ બ્રિજનું કામ 30 મહિના સુધી બંધ રહ્યું હતું. પરંતુ આખરે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને બ્રિજ ખુલ્લો મુકાતાં જ પાલ અને ઉમરા વિસ્તારની 8 લાખ વસતીને ફાયદો થયો છે. વર્ષ 2006માં સુરત શહેરનું હદ વિસ્તરણ થતા સુડાના નદી પારના પાલ વિસ્તારનો શહેરી હદમાં સમાવેશ કરાયો હતો. જેથી પાલને નદી પાર ઉમરા સહિતના વિસ્તારો સાથે સાંકળી શકાય તે માટે તેમજ અન્ય નવા વિસ્તારોને એકબીજા સાથે નદી પાર જોડવા માટે વિચારણા શરૂ થઇ હતી.
મનપાની સામાન્ય સભામાં જુદા જુદા 5 લોકેશનો ૫૨ બ્રિજ બનાવવા માટે ક્રમાનુસા૨ પ્રાયોરિટી નક્કી કરી બ્રિજ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અગ્રિમતામાં પાંચમાં ક્રમે ઉમરા ગામથી પાલગામને જોડતો રિવર બ્રિજ સૂચવાયો હતો.