સુરત: વેસુ (Vesu) વિસ્તારમાં એસ.ડી જૈન સ્કુલ (School) પાસે આવેલા બ્રેડલાઈનરના (Breadliner) આઉટલેટમાં વેચાતા પફમાંથી (Puff) ફુગ (fungus) નીકળવાની ઘટનાનો વિડીયો (Video) વાઈરલ બનતાં છેવટે મનપા તંત્રએ વેસુ બ્રેડલાઈનરના આઉટલેટને નોટિસ (Notice) ફટકારી હતી. બે દિવસ પૂર્વે બ્રેડલાઈનરમાં પફ લેવા ગયેલો યુવાન તેમાં ફેલાયેલી ફુગ જોઈને ચોંકી ગયો હતો. સોશિયલ મીડિયા ફ્રેન્ડલી યુવાને તુરંત જ ફુગવાળા પફનો વીડિયો બનાવી મનપાને આ અખાદ્ય પફ બાબતે ફરિયાદ કરી હતી. જેના પગલે અઠવા ઝોનના આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગનો સ્ટાફ આવ્યો તો ખરો પણ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારી સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાનું તો દુર બ્રેડલાઈનરને છાવરવાના નિંદનીય પ્રયત્નો કર્યા હતા. ગંદકી જેવા સામાન્ય કારણો આપી ફરિયાદીને સહકાર નહીં આપતા યુવાન પફમાંથી નીકળેલી ફુગ બાબતે ફરિયાદ લેવા એકદમ અડી જતાં છેવટે મનપાના ફૂડ વિભાગે પગલાં લેવા પડ્યા હતા. ફૂડ વિભાગે મને- કમને વેસુ સ્થિત બ્રેડલાઈનરને નોટિસ અને પેનલ્ટી ફટકારી નમુના લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિસ્તૃત વિગત મુજબ શહેરમાં મોટુ નામ ધરાવતી વેસુ સ્થિત બ્રેડલાઈનર બેકરીના પફમાંથી 2 દિવસ અગાઉ ફુગ નીકળવાની ઘટના બની હતી. જેના વીડિયો સાથે કબીર નામના યુવકે મનપાના સબંધિત વિભાગોને જાણ કરી હતી. તેમજ આ ફુગવાળા પફનો વીડિયો પણ બનાવ્યો હતો. દરમિયાન મનપાના આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. શરૂઆતમાં બચાવપક્ષની ફરજ બજાવનાર મનપા તંત્રએ યુવાનની ફરિયાદ કરવાની મકકમતા જોઈને અહીં ગંદકી હોવાથી બ્રેડલાઈનરને 1000 રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી. નોટિસ ફટકારી નુમના પણ લીધા હતા. સામાન્ય રીતે ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવે કે નમુના લેવામાં આવે ત્યારે પણ પ્રેસનોટથી મોટી કામગીરી કરી હોય તેવી રીતે જાહેરાત કરવામાં આવે છે. પરંતુ શહેરમાં જ્યારે બ્રાન્ડેડ ફૂડ ચેઈન જેવી સંસ્થાના ખોરાકમાંથી ફૂગ નીકળી હોવા છતાં બે દિવસ સુધી આ ઘટના દબાવી રાખી હોવાથી ફૂડ વિભાગ શંકાના દાયરામાં આવી ગયો છે.
ફુડ વિભાગ અને અઠવાનું આરોગ્ય ખાતુ ‘બ્રેડલાઇનર’ પર મહેરબાન : ઢાંક પિછોડો કરવા માટે ચલક-ચલાણું
બ્રેડલાઈનરના પફમાંથી ફુગ નિકળાની ઘટના બાદ મનપાનો ફુડ વિભાગ અને અઠવા ઝોનનું આરોગ્ય ખાતુ જાણે લોકોના આરોગ્યની પરવા કરવા માટે નહીં પરંતુ ચોકકસ પેઢીઓના બચાવ માટે હોય તેમ આ ઘટનાનો ઢાંક પિછોડો કરવા દોડતા થયા હતા. વેસુ સ્થિત બ્રેડલાઇનર બેકરીને કેટલો દંડ ફટકારાયો તે બાબતે મનપાના ચીફ ફૂડ ઓફિસર જગદીશ સાળુંકેએ બે દિવસ સુધી વિગતો જાહેર કરી નહોતી. તેમને જયારે સામેથી પુછાયું ત્યારે તેમણે ઉપરછલ્લી વાત કરી ફોન કાપી નાંખ્યો હતો અને પછીથી ફોન રિસીવ નહીં કરી શાહમૃગ વૃતિ બતાવી હતી. કેટલો દંડ કર્યો તે બાબતે અઠવા ઝોનના આરોગ્ય અધિકારીને પુછવા જણાવ્યું હતું તો અઠવા ઝોનના આરોગ્ય અધિકારી અને અગાઉ વરાછામાં તેની ફરજ દરમિયાન લાંચના છટકામાં ફસાઇ ચુકેલા ડો. ખત્રીએ તો આ ઘટનાની ખબર જ ન હતી. જ્યારે આરોગ્ય વિભાગે એક હજારની પેનલ્ટી ફટકારી હોવા છતાં આ બાબતે કંઈ ખબર નથી કહીને ફુડ વિભાગને પુછો તેમ કહી છટકી જવા પ્રયાસ કર્યો હતો. ટુંકમાં અઠવા ઝોન અને ફુડ વિભાગે આ ઘટનામાં કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની શંકા ઉઠી રહી છે.