દિલ્હીમાં વધતા પ્રદૂષણને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ જાહેરાત કરી છે કે તા.1 જુલાઈ, 2025થી રાજધાની દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોને ફ્યુલ આપવામાં આવશે નહીં. આ નિયમ એન્ડ ઓફ લાઇફ (EOL) વાહનો પર લાગુ થશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
નિયમ ક્યારે લાગુ થશે?: CAQM મુજબ, આ નિયમ દિલ્હીમાં તા.1જુલાઈ 2025થી લાગુ કરવામાં આવશે, જ્યારે તા.1 નવેમ્બર 2025થી, આ નિયમ ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને સોનીપતમાં પણ લાગુ કરવામાં આવશે, જ્યારે બાકીના NCRમાં આ નિયમ તા1 એપ્રિલ 2026થી લાગુ થશે. ટ્રેકિંગ કેવી રીતે કરવામાં આવશે?
આ રીતે વાહનનું ટ્રેકિંગ કરવાં આવશે: મનીકન્ટ્રોલના એક અહેવાલમાં, CAQM સભ્ય ડૉ. વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે દિલ્હીના 500 પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જે રીઅલ-ટાઇમમાં વાહન માહિતીને ટ્રેક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં, આ સિસ્ટમ દ્વારા 3.63 કરોડથી વધુ વાહનોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 4.90 લાખ વાહનો ‘એન્ડ-ઓફ-લાઇફ’ તરીકે નોંધાયા છે. ‘એન્ડ-ઓફ-લાઇફ’ એટલે કે આ વાહનો ડીઝલના કિસ્સામાં 10 વર્ષ અને પેટ્રોલના કિસ્સામાં 15 વર્ષનો મહત્તમ સમયગાળો વટાવી ગયા છે.
કાયદાનો અમલ કરવા માટે, દિલ્હી પરિવહન વિભાગે 100 મોનિટરિંગ ટીમો તૈનાત કરી છે. આ ટીમો ડેટાનું નિરીક્ષણ કરશે, તે પેટ્રોલ પંપોને ઓળખશે જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોની સૌથી વધુ સંખ્યા પહોંચે છે. અને કડક પાલન સુનિશ્ચિત કરશે.
શા માટે આ નિયમો લાદવામાં આવી રહ્યા છે?: CAQM સભ્ય ડૉ. શર્માએ કહ્યું કે દિલ્હી અને NCRના વાતાવરણની હવા સાફ કરવા માટે જૂના ધોરણના વાહનોને દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વાહનો વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ફાળો આપે છે. જેથી આવ જુના વાહનોને દૂર કરવું ખુબજ અનિવાર્ય બની ગયું છે. જેથી આવા કડક નિમયો લાગુ કરવામાં આવશે.
જો નિયમો તોડવામાં આવે તો શું થશે?: ANPR સિસ્ટમ પેટ્રોલ પંપમાં પ્રવેશતા વાહનોની નંબર પ્લેટ આપમેળે સ્કેન કરે છે અને પછી તેને VAHAN ડેટાબેઝ સાથે મેચ કરે છે. જેમાં વાહન નોંધણી, ફ્યુલનો પ્રકાર અને વાહન કેટલા વર્ષ જૂનું જેવી માહિતી હોય છે. જો કોઈ વાહન માન્ય વય મર્યાદાથી વધુ હોવાનું જાણવા મળે છે, તો તેને EOL( એન્ડ ઓફ લાઇફ) તરીકે રેકોર્ડ કરવામાં આવે છે. આ પછી, સંબંધિત પેટ્રોલ પંપને આ વાહનોને ફ્યુલ ન આપવાની ચેતવણી મળે છે. ઉલ્લંઘન વિશેની માહિતી રેકોર્ડ કરવામાં આવે છે અને એજન્સીઓને મોકલવામાં આવે છે, જે આગળ વાહન જપ્ત કરવા અથવા સ્ક્રેપ કરવા જેવી કાર્યવાહી કરી શકે છે.