આસામમાં બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર ભયાનક બોટ અકસ્માત (accident)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસાફરોથી ભરેલી બે બોટ જોરહાટ જિલ્લાના નિમાટી ઘાટ પાસે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં ઘણા લોકો ગુમ થયાના અહેવાલ મળી રહ્યા છે. એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF)ના જવાનો બચાવમાં એકઠા થયા છે. મળતી માહિતી મુજબ બંને બોટમાં 120 જેટલા મુસાફરો (120 passenger) સવાર હતા. એક બોટ માજુલીથી નિમ્તીઘાટ જઈ રહી હતી જ્યારે બીજી બોટ વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. બંને વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, ત્યારબાદ બોટ પલટી થઇ ગઈ હતી. બોટ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માજુલી અને જોરહાટ જિલ્લા વહીવટીતંત્રને NDRF અને SDRF ની મદદથી બચાવ કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રી ગુરુવારે માજુલીની મુલાકાત લેશે.
અહીં જોરહાટ જિલ્લા પોલીસ અધિક્ષક અંકુર જૈને જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. કેટલાક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બાકીની શોધ ચાલુ છે. મુસાફરોના સામાન સાથે બોટમાં રહેલી કાર અને મોટરસાઇકલ નદીમાં ગરકાવ થઇ ગઇ હતી. માહિતી મળતા જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના બાદ તરત જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માજુલી અને જોરહાટ જિલ્લાના જિલ્લા વહીવટીતંત્રને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને એસડીઆરએફની મદદથી બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી પ્રતિક્રિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું કે “આસામમાં બોટ દુર્ઘટનાથી દુખી. મુસાફરોને બચાવવા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”
40 લોકોને બચાવી લેવાયા
જોરહાટ એડીસી દામોદર બર્મને જણાવ્યું હતું કે આસામની બ્રહ્મપુત્રા નદીમાં દુર્ઘટનામાં સામેલ બોટમાં લગભગ 120 લોકો સવાર હતા, જેમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ ટીમ સ્થળ પર છે.