વર્ષો જૂના મહાલક્ષ્મી માતા મંદિરમાં વૃદ્ધોને ધક્કા મારવાનો વીડિયો વાયરલ
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલાબતપુરા સ્થિત વર્ષો જૂના મહાલક્ષ્મી માતા મંદિરમાં બાઉન્સરોની દાદાગીરી જોવા મળી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
વાઈરલ વિડીઓ પરથી મળતી માહિતી મુજબ, આજે મહાલક્ષ્મી માતાની સાલગીરી નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરમાં ભીડ વધતા વ્યવસ્થા જાળવવા માટે બહાર આશરે ચાર જેટલા બાઉન્સરો મૂકવામાં આવ્યા હતા.પરંતુ ભીડ નિયંત્રણના નામે કેટલાક બાઉન્સરો દ્વારા વૃદ્ધ ભક્તોને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે દર્શન કરવા આવેલા વૃદ્ધ વ્યક્તિને બાઉન્સર દ્વારા ધક્કો મારી બહાર દોરવામાં આવી રહ્યા છે, આ દૃશ્યે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. “મંદિર જેવી પવિત્ર જગ્યા પર આવી વર્તણૂંક યોગ્ય છે?” એવો સવાલ સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યો છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સામાન્ય રીતે શહેરના મંદિરોમાં બાઉન્સરો મૂકવામાં આવતા નથી, તો પછી મહાલક્ષ્મી મંદિરમાં આ વ્યવસ્થા કોના હુકમથી અને શા માટે કરવામાં આવી? શું ભીડ નિયંત્રણ માટે આ પગલું લેવાયું હતું કે કોઈ અન્ય કારણ હતું? આ મુદ્દે મંદિર ટ્રસ્ટ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
વૃદ્ધોને ધક્કો મારવાના આક્ષેપોને લઈને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેટલાક લોકોએ આ ઘટનાની યોગ્ય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો જવાબની રાહ જોઈ રહ્યા છે. મંદિર ટ્રસ્ટ, પોલીસ અથવા સ્થાનિક પ્રશાસન તરફથી શું સ્પષ્ટતા આવે છે તે જોવું રહ્યું.