Sports

બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?

વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સીના કોલકાતા પ્રવાસ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે હોબાળો જોવા મળ્યો. મેસ્સીની એક ઝલક જોવા માટે હજારો ચાહકો મોટી આશા અને ઉત્સાહ સાથે સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા પરંતુ અપેક્ષા કરતાં ઓછા સમયમાં મેસ્સી સ્ટેડિયમ છોડી જતાં રહ્યા હતા. જેને લઈ ચાહકો ગુસ્સે થયા અને સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.

લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના GOAT ઇન્ડિયા ટૂર માટે ભારત આવ્યા છે. તેમના પ્રવાસનો પહેલો સ્ટોપ કોલકાતા હતો જ્યાં તેઓ આજે 13 ડિસેમ્બરે સવારે લગભગ 3 વાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર ચાહકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ મેસ્સીએ કોલકાતાના લેક સિટી વિસ્તારમાં તેમની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું અને કેટલીક મોટી હસ્તીઓને મળ્યા બાદ સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા હતા.

સ્ટેડિયમમાં મેસ્સી પહોંચતા જ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. મેસ્સીએ મેદાન પર હાજર લોકોને હાથ હલાવી અભિવાદન કર્યું પરંતુ થોડા જ સમય બાદ તેઓ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા. મેસ્સી માત્ર થોડા મિનિટો માટે જ મેદાન પર હાજર રહ્યા હોવાની વાત સામે આવતા ચાહકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ.

મેસ્સી જતા રહેતાં જ સ્ટેડિયમમાં સ્થિતિ બગડવા લાગી. ગુસ્સે ભરાયેલા કેટલાક ચાહકો મેદાનની વચ્ચે પહોંચી ગયા. જ્યારે કેટલાકે સ્ટેડિયમમાં લગાવેલા પોસ્ટરો ફાડી નાખ્યા. આ ઉપરાંત પાણીની બોટલો મેદાન તરફ ફેંકવામાં આવી હતી. જેના કારણે સ્ટેડિયમમાં તણાવભર્યો માહોલ સર્જાયો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં ચાહકોનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

ત્યાં હાજર એક ચાહકે જણાવ્યું કે “અમે કલાકો સુધી રાહ જોઈ, મોંઘી ટિકિટ ખરીદી પરંતુ મેસ્સીને ફક્ત થોડી ક્ષણો માટે જ જોઈ શક્યા. તેમણે એક પણ ગેમ રમી નહીં, જેના કારણે અમને ખૂબ નિરાશા થઈ.”

12,000 રૂપિયાની ટિકિટ ખરીદ્યા પછી પણ ચાહકો મેસ્સીને જોઈ શક્યા નહીં
લિયોનેલ મેસ્સીના ચાહકે કહ્યું “સ્ટાર ફૂટબોલરની આસપાસ ફક્ત રાજકારણીઓ અને અભિનેતાઓ હતા. અમે કંઈ જોઈ શક્યા નહીં. તો પછી અમને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું? અમે તેમને જોવા માટે 12,000 રૂપિયાની ટિકિટ ખરીદી હતી. પરંતુ અમે તેમનો ચહેરો પણ જોઈ શક્યા નહીં.”

આ ઘટનાએ મેસ્સીના ભારત પ્રવાસ પર પ્રશ્નો ઊભા કર્યા છે. ચાહકોનો ગુસ્સો અને નિરાશા એ વાત દર્શાવે છે કે વ્યવસ્થામાં ખામીના કારણે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે.

Most Popular

To Top