Dakshin Gujarat

બોરદાની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો શિક્ષક નશાની હાલતમાં લથડિયા ખાતા ઝડપાયો

સુરત: સોનગઢ તાલુકાના બોરદા ગામે (Borda village) આવેલી વનરાજ ઉત્તર બુનિયાદી માધ્યમિક (Secondary) અને ઉચ્ચતર માધ્યમિક (Higher Secondary) વિદ્યાલયનો શિક્ષક (Teacher) નવીનચંદ્ર પોપટલાલ પટેલ દારૂ ઢીંચેલી હાલતમાં મળી આવતાં પોલીસે પ્રોહિ. એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ શિક્ષક શાળામાંથી તા.28 મી ડિસેમ્બરે સવારે પોતે કોઈની પાર્ટીમાં ગયો હતો. ત્યાંથી દારૂ પીને શાળામાં આવ્યો હોવાનું પોતે શિક્ષકે કેમેરા સામે કબૂલ્યું હતું.

  • આ શિક્ષક શાળામાંથી તા.28 મી ડિસેમ્બરે સવારે પોતે કોઈની પાર્ટીમાં ગયો હતો
  • શિક્ષકને પીધેલી હાલતમાં લથડિયા ખાતો જોતાં પોલીસને બોલાવી લીધી હતી
  • શિક્ષક નવીનચંદ્ર પોપટલાલ પટેલ દારૂ ઢીંચેલી હાલતમાં મળી આવ્યો હતો

શિક્ષક નવીનચંદ્ર પોપટલાલ પટેલ દારૂ ઢીંચેલી હાલતમાં મળી આવ્યો હતો
વનરાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ફરજ બજાવતો મૂળ ગાંધીનગરના રૂપાલ ગામનો દારૂડિયા શિક્ષક નવીનચન્દ્ર પોપટલાલ પટેલે તા.28 ડિસેમ્બરે ધો.12ના વિદ્યાર્થી કૈલાસ સુરેશભાઈ વસાવા પ્રાર્થના બોલતો ન હોવાથી આ શિક્ષકે તેને ધમકાવતાં વિદ્યાર્થીએ પોતાના પિતા સુરેશભાઈ પુનીયાભાઈ વસાવા (રહે.,બોરદા, મંદિર ફળિયું, સોનગઢ, જિ.તાપી)ને બોલાવી લીધો હતો. સુરેશ વસાવાએ આ શિક્ષકને પીધેલી હાલતમાં લથડિયા ખાતો જોતાં પોલીસને બોલાવી લીધી હતી. આ શિક્ષકનું પંચનામું કરી આલ્કોહોલની તપાસ અર્થે પોલીસે સોનગઢ મેડિકલ ઓફિસર પાસે મોકલ્યો હતો. વિદ્યાર્થીનાં શિક્ષક સાથેની ઝપાઝપીમાં કપડાં પણ ફાટી ગયાં હતાં.

પીધ્ધડ શિક્ષકોને કારણે સમગ્ર શિક્ષણ જગતને નીચું જોવા જેવું થાય છે
હાલ દારૂડિયા શિક્ષક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાજમાં શિક્ષકોનું મુઠ્ઠી ઊંચેરું સ્થાન હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને વિદ્યાર્થીઓ પોતાનાં માતાપિતા કરતાયે ઊંચું સ્થાન આપી માન-સન્માનથી જોતા હોય છે, ત્યારે આવા પીધ્ધડ શિક્ષકોને કારણે સમગ્ર શિક્ષણ જગતને નીચું જોવા જેવું થાય છે.

બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના વિદાય સમારંભ યોજાયો

બારડોલી: બારડોલીની નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલીના રાધાબા ખુશાલદાદા સાંસ્કૃતિક હોલમાં શાળાના આચાર્ય કાંતિલાલ એચ. પાટીદાર અને પ્રાથમિક વિભાગની શિક્ષિકા જ્યોતિબેન પટેલનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે ભૂતપૂર્વ આચાર્ય જીવણ એચ. પટેલ અને અજિતસિંહ સુરમા ઉપસ્થિત તથા મંડળના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ તેમજ કારોબારી સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને શાળા પરિવારે શાલ અને સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ સમય નિરામય અને પ્રગતિશીલ બની રહે તેવી શુભકામના પાઠવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વિદાય નૃત્ય રજૂ કરી વાતાવરણ ભાવાત્મક બનાવી દીધું હતું.

Most Popular

To Top