Business

બોમ્બે માર્કેટમાં કરોડોનું ઉઠમણું કરનાર આરોપીઓ ભાવનગરમાં ધંધો કરતા હતા

સુરત : વરાછા (Varacha) જુની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાન (Shop) ખોલી કરોડો રૂપિયાનું ઉઠમણુ કરી છેતરપિંડીના ગુનાઓમાં વોન્ટેડ બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ભાવનગરથી (Bhavnagar) ઝડપી પાડ્યા હતા. બંને આરોપી ત્યાં ભાડેથી જમીન રાખીને ધંધો કરતા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને ભાવનગર મહુવા નજીક આવેલા કોંજળી ગામ પાસે કરોડોનું ઉઠમણું કરનાર આરોપી છુપાયા હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી ભરતભાઈ બાબુભાઈ કાતરીયા (ઉ.વ.૪૫, રહે. મકાન નં-૫૦૩, બિલ્ડીંગ નં-૯ સ્વામીનારાયણ ધામ, તા.મહુવા જી.ભાવનગર તથા રહે.સી/૩ લક્ષ્મીનગર સોસાયટી, પીર દરગાહની સામે સીતાનગર ચોકડી પૂણા) અને અક્ષિત ઉર્ફે કાનો ભરતભાઈ કાતરીયા (ઉ.વ.૨૩) ને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓ વરાછા જુની બોમ્બે માર્કેટ દુકાન નં-આર/૩,૫ માં દુર્ગા એન.એક્ષ. નામથી દુકાન ચલાવી સાડી, ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતા હતા.

વર્ષ 2019 થી 2020 દરમિયાન એક વર્ષના સમયગાળામાં કાપોદ્રા શ્રી કૃપા ઈન્ડસ્ટ્રીઝ ખાતા નં. ૧૩૫ માં વેપાર કરતા ચિરાગભાઈ ઘનશ્યામભાઈ પાંચાણી પાસેથી ચણીયાચોળીનું 47.77 લાખની મત્તાનુ કાપડ અને કતારગામ નવી જી.આઈ.ડી.સી.ખાતે એમ્બ્રોડરી જોબવર્કનુ કારખાનુ ચલાવતા રાજેશભાઈ ધમશીભાઈ ડોબરીયા પાસેથી રૂપિયા 75.06 લાખની મત્તાનો કાપડનો માલ ખરીદ્યો હતો. તે સિવાય પણ અન્ય વેપારીઓ પાસેથી પણ કાપડ ખરીદ કરી તેઓને પેમેન્ટ નહી કરી દુકાન બંધ કરી ભાગી ગયા હતા. આરોપીઓ પોલીસથી બચવા મહુવા નજીક કોંજળી ગામમાં ભાડા પેટે જમીન રાખી ધંધો કરતા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ત્યાંથી દબોચી લીધા હતા.

રૂ.10 લાખના ચેક રિટર્ન કેસમાં જરીના વેપારીને 1 વર્ષની સજા
સુરત: કોમ્પ્યુટરનું વેચાણ કરતા વેપારી પાસેથી લીધેલા હાથ ઉછીના 10 લાખનો ચેક રિટર્ન કરાવનાર જરીના વેપારીને કોર્ટે 1 વર્ષની કેદનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ વરાછા ખોડિયારનગર રોડ ખાતે આવેલી તેજેન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ધીરૂભાઇ ચાલોડિયા એ ટુ ઝેડ કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજીના નામે કોમ્પ્યુટર લે-વેચનો ધંધો કરે છે. તેમણે જરીના વેપારી હિતેશ કાળુભાઇ પાનેલિયા (રહે.,અક્ષરધામ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ) 2018માં રૂ.10 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત માંગતા ગત તા.20-10-2021ના રોજ આરોપી હિતેશ પાનેલિયાએ આપેલો ચેક રિટર્ન થયો હતો. જેથી ફરિયાદીએ એડ્વોકેટ યોગેશ જોગાણી મારફતે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે કેસને લગતા પુરાવા ધ્યાને લઇ આરોપીને 1 વર્ષની સજા અને રિટર્ન થયેલા ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી દેવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top