Gujarat

અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત RTO કચેરીઓમાં બોમ્બ થ્રેટ, તપાસમાં કોઈ ખતરો નહીં મળ્યો

અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક ખાલી કરાવવામાં આવી. ડ્રાઇવિંગ ટેસ્ટ અને અન્ય સેવાઓ માટે આવેલા હજારો લોકોને પરત મોકલવામાં આવ્યા અને તેમના અપોઇન્ટમેન્ટ માટે નવી તારીખ આપવામાં આવી. સુરતમાં ડી.સી.પી. ઝાલાએ જણાવ્યું કે, કેમ્પસ ખાલી કરાવ્યા બાદ બોમ્બ-ડોગ સ્ક્વોડની મદદથી એન્ટી-સેબોટેજ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ અથવા જોખમી વસ્તુ મળી નથી. RTO કચેરી હવે નિયમિત કામગીરી પર ફરી શરૂ કરવામાં આવી છે. ડી.સી.પી. ઝાલાએ જાહેર કર્યુ કે, સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને તેઓ શાંતિ રાખીને પોતાની કામગીરી ચાલુ રાખે. બોમ્બ ધમકી ઈમેઇલની તપાસ સુરત સાઈબર સેલ કરી રહી છે, ઈમેઇલ ક્યાથી મોકલાયું અને તેના ટેકનિકલ પાસાઓની ચકાસણી કરી રહી છે.

રાજકોટમાં અલગ-અલગ શાખાઓની તપાસ કરવામાં આવી. વડોદરા RTOમાં કેટલાક અરજદારો થોડા કલાકો સુધી બહાર રાહ જોયા, પરંતુ તેમને આવતા દિવસની અપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવી. અમદાવાદ સુભાષબ્રિજ RTOને સવારે ઈમેઇલ દ્વારા ખાસ ધમકી મળી, જેમાં જણાવાયું હતું કે બપોરે 12:50 કલાકે 13 બોમ્બ ફાટી શકે છે. RTO કર્મચારી નીરવ બક્ષીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ડોગ-બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી. બધા અસરગ્રસ્ત RTO કચેરીઓમાં પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરી એક સઘન તપાસ ચલાવી. લોકોની સુરક્ષા માટે કચેરીઓની આસપાસ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા અને સામાન્ય જનતાની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવામાં આવ્યું. અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે ઈમેઇલ અંગેની તપાસ ચાલુ છે અને સંદર્ભિત આરોપીને ઝડપવા માટે સાયબર સેલ સક્રિય છે. સામાન્ય નાગરિકો શાંતિ જાળવી, અને તમામ RTO કચેરીઓમાં કામગીરી ફરી શરૂ થઈ રહી છે.

Most Popular

To Top