મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળતાં પોલીસે તાત્કાલિક એલર્ટ જાહેર કરી અનેક સાવચેતીના પગલાં લીધો. શુક્રવાર સાંજે કંટ્રોલ રૂમને સતત ત્રણ ફોન કોલ મળ્યા હતા, જેમાં એરપોર્ટને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી મળતાં જ સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ પર આવી ગયું હતું અને એરપોર્ટ પર ભારે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અજાણ્યા નંબર પરથી કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે ટર્મિનલ 2 પર બોમ્બ મુકાયો છે અને થોડીવારમાં મોટો વિસ્ફોટ થશે. આ માહિતીના આધારે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટ વિસ્તારમાં વિશાળ પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટર્મિનલ બિલ્ડિંગ, લગેજ વિસ્તાર, પાર્કિંગ અને એન્ટ્રી -એક્સિટ એરિયાઓમાં સુચિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ઘટનાના પગલે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો.
પોલીસે તુરંત જ કોલ ટ્રેસ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલ કરનાર વ્યક્તિનો સંપર્ક નંબર આસામ અથવા પશ્ચિમ બંગાળનો હોઇ શકે છે. હાલ મુંબઈ પોલીસ તેના લોકેશન અને ઓળખ વિશે વિસ્તૃત તપાસ કરી રહી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે “આ ઘટના ગંભીર છે. અમે ટેરર એંગલથી પણ તપાસ કરીએ છીએ. આવી ખોટી ધમકીઓથી જનતામાં ભય ફેલાવવો એ ગુનો છે અને અમે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.”
આ ઘટના પછી મુંબઈ એરપોર્ટની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે.