National

બોમ્બ મૂક્યાનો ખોટો ફોન કરનાર શખસને મુંબઈ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

મુંબઈ: પોલીસે (Police) સોમવારે જણાવ્યું હતું કે, મુંબઈના (Mumbai) ભરચક ઝવેરી બજાર વિસ્તારમાં બોમ્બ (Bomb) મુકાયો હોવા અંગે કથિત રીતે કોલ કરવા બદલ એક 24 વર્ષીય યુવકની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈના કાલબાદેવી રોડના રહેવાસી આરોપી દિનેશ સુતારે રવિવારે સવારે કથિત રીતે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને અહેમદનગર જિલ્લાના જામખેડ ખાતે મૂકવામાં આવેલા બોમ્બ અંગે ફોન કર્યો હતો. સુતારે બાદમાં ઝવેરી બજાર વિસ્તારમાં ‘ખાઉ ગલી’ નામની ખાણીપીણીની ગલીમાં બોમ્બ મૂક્યો હોવા અંગે ફરીથી કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. જેના પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ગલીમાં ભોજનાલયો થોડી મિનિટોમાં ખાલી કરવામાં આવ્યા હતા અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ને તેમની ઈમરજન્સી હેલ્પલાઇન 112 પર કંટ્રોલ રૂમને કરેલા કોલ વિશે પણ જાણ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોલ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન નંબરને ટ્રેસ કર્યા બાદ પોલીસે છટકું ગોઠવ્યું અને ભુલેશ્વર ખાતેથી આરોપીને કલાકોમાં જ તેને પકડી પાડ્યો હતો. લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આરોપીને બોલાવ્યો અને તેને બતાવવા કહ્યું કે બોમ્બ ક્યાં મૂકવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સુતાર સોલાપુર જિલ્લાના સાંગોલાનો વતની છે તે તેના સંબંધીઓ સાથેના વિવાદ બાદ 10 દિવસ પહેલા મુંબઈ આવ્યો હતો અને કાલબાદેવીમાં રહેતો હતો, જ્યાં તેણે અગાઉ કામ કર્યું હતું. એમ તેણે જણાવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી અસંતુષ્ટ હતો. કારણ કે, તેણે તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top