Entertainment

બોલિવૂડની સૌથી વૃદ્ધ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે અવસાન

બોલિવૂડની સૌથી વૃદ્ધ અને આદરણીય અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.

હિન્દી સિનેમાના સુવર્ણ યુગની જાણીતી અને દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલ હવે નથી રહ્યાં. 98 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર તેમનું નિધન વૃદ્ધાવસ્થાને કારણે થયેલી બીમારીઓને લીધે થયું.

તા. 24 ફેબ્રુઆરી 1927ના રોજ લાહોરમાં જન્મેલી કામિની કૌશલે માત્ર 19 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે 1946માં આવેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘નીચા નગર’થી કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મ માત્ર તેમના કરિયરની શરુઆત નહોતી પરંતુ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મેળવીને ભારતીય સિનેમામાં ઇતિહાસ પણ રચ્યો હતો.

કામિની કૌશલની કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ફિલ્મો આવી હતી જેમાં ‘શહીદ’, ‘નદિયા કે પાર’, ‘શબનમ’, ‘આરઝૂ’, ‘દો ભાઈ’, ‘ઝિદ્દી’, ‘નમૂના’, ‘આબરૂ’ જેવી અનેક ફિલ્મોમાં તેમણે પાત્રો ભજવ્યા હતા. દિલીપ કુમાર, રાજ કપૂર, અશોક કુમાર, દેવ આનંદ અને રાજ કુમાર જેવા મહાન કલાકારો સાથે પણ તેમણે કામ કર્યું છે.

રસપ્રદ વાત એ છે કે ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ ‘શહીદ’માં તેમની હીરોઇન કામિની કૌશલ જ હતાં. ધર્મેન્દ્રએ થોડા સમય પહેલા એક જૂનો ફોટો શેર કરીને આ યાદ તાજી કરી હતી. તેમણે લખ્યું હતું “મારી પ્રથમ ફિલ્મમાં કામિનીજી સાથેની પહેલી મુલાકાત… પ્રેમભરી ઓળખાણ.”

અભિનય ઉપરાંત કામિની કૌશલનું વ્યક્તિગત જીવન પણ અત્યંત રસપ્રદ રહ્યું હતું. તેમના પિતા શિવરામ કશ્યપ પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી હતા. કામિની કૌશલ બાળપણથી જ ઘોડેસવારી, ભરતનાટ્યમ, સ્વિમિંગ અને શિલ્પકલા જેવી કળાઓમાં રસ હોવાને કારણે તેઓ અત્યંત પ્રતિભાશાળી બની હતી.

ટીવીની દુનિયામાં પણ તેમણે ‘ચાંદ સિતારે’ જેવી સિરિયલો દ્વારા પોતાની હાજરી નોંધાવી હતી. 1946 થી 1963 વચ્ચે તેમણે સતત મહત્વપૂર્ણ ફિલ્મો કરી અને પોતાના સમયની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું.

કામિની કૌશલના અવસાન સાથે હિન્દી સિનેમાનો એક સુવર્ણ અધ્યાય આજે સમાપ્ત થયો છે.

Most Popular

To Top