Gujarat

‘પઠાણ’ મૂવી રિલીઝ કરવા મામલે થિયેટર માલિકને ધમકી આપનાર યુવકની ધરપકડ

અમદાવાદ : ‘પઠાણ’ ફિલ્મ (Pathan Film) રિલીઝ કરવાના મામલેટ થિયેટર માલિકને ધમકી આપી હિન્દુ -મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તે રીતે સોશિયલ મીડિયામાં (Social Media) વીડિયો (Video) મુકનાર આરોપીની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટેકનોલોજીના ઉપયોગથી સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પઠાણ ફિલ્મ રિલીઝ કરવા બાબતે થિયેટર માલિકને ધમકી આપનાર આરોપી સન્ની ગિરીશભાઈ શાહ (ઉં.વ. 33, રહે, ઘાટલોડિયા-અમદાવાદ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ ભારતમાં શાહરૂખખાન અને દીપિકા પાદુકોણની પઠાણ ફિલ્મનો થિયેટરોમાં રિલીઝ કરવાના મામલે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સુલેહ શાંતિનો ભંગ થાય અને કોઈપણ ધર્મ, જાતિ કે જ્ઞાતિ વચ્ચે વૈમનશ્ય કે તિરસ્કાર ફેલાય તેવા વાંધાજનક મેસેજો, પોસ્ટ, ફોટો, વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હિન્દુ મુસ્લિમ ધર્મની લાગણીને ઉશ્કેરાય તે રીતે સન્ની ગિરીશભાઈ શાહ (તાઉજી)એ રાજ્યના તમામ થિયેટર માલિકોને પઠાણ મુવી રિલીઝ નહીં કરવા બાબતે ધમકી ભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં રજૂ કર્યો હતો. આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

શહેર ક્રાઈમ બ્રાન્ચની સાઇબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. રાણાની ટીમે તપાસ હાથ ધરતા આ વીડિયો અપલોડ કરનાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા આરોપી સન્ની ગીરીશભાઈ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સન્ની ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે, અને છેલ્લા ચાર વર્ષથી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા બનાવી સનાતન હિંદુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે. તેણે ગુજરાતના કોઈપણ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલીઝ ન કરવા અંગેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયા મારફતે વાઇરલ કરી ગુનો કર્યો હતો.

Most Popular

To Top