સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીએ ફિલ્મ ‘ડબલ XL’ માટે વજન વધાર્યું હતું પરંતુ બોક્સ ઓફિસ પર એમના નામનું વજન પડ્યું નથી અને પહેલા દિવસે રૂ.25 લાખની જ કમાણી કરી શકી છે. એમ કહેવાયું છે કે આ ફિલ્મ જોવાથી સમયનું અને મહેનતની કમાણીનું એમ ડબલ નુકસાન થાય છે. આમ તો આ સપ્તાહે રજૂ થનારી મહિલાપ્રધાન ફિલ્મોની સંખ્યા ટ્રીપલ હતી. બીજી જાન્હ્વી કપૂરની ‘મિલી’ ને રૂ.૪૫ લાખ મળતાં ડિપફ્રીઝરમાં ફસાયેલી યુવતી પરની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠંડી જ રહી છે. ત્યારે હીરોઇન નંબર વનની દાવેદાર ગણાતી કેટરિનાની ફિલ્મ ‘ફોન ભૂત’ ને રૂ.2 કરોડનું ઠીક કહી શકાય એવું ઓપનિંગ મળ્યું છે.
મહિલા ક્રિકેટરોની ફી વધારીને પુરુષ ક્રિકેટરો જેટલી કરી દેવામાં આવી છે ત્યારે હીરોઇનોની લાંબા સમયની આવી માંગ નિર્માતાઓ પૂરી કરે એવી શક્યતા ઓછી થઇ રહી છે. કેમકે ત્રણેય ફિલ્મોની વાર્તા દમદાર નથી. હીરોઇનપ્રધાન ફિલ્મોને હજુ અપેક્ષા પ્રમાણે આવકાર મળતો નથી. અત્યાર સુધી આઇટમ ગીત અને ગ્લેમરસ ભૂમિકાઓ કરીને લોકપ્રિય રહેલી કેટરિના એક અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે મહત્વની કેન્દ્રિય ભૂમિકા હોવા છતાં ‘ફોન ભૂત’ પછી તેને સાઇન કરવા ઘણા નિર્માતાઓ ફોન કરશે એવી આશા તે રાખી શકે એમ નથી. તેને સ્ક્રિપ્ટ પસંદ કરતાં આવડતું નથી એ સાબિત થાય છે.
પોતાની ભૂમિકાને તેણે ગંભીરતાથી લીધી નથી. કેટરિના પોતાનો કરિશ્મા જાતે જ ખતમ કરી રહી છે. તેણે પતિ વિકી કૌશલની મદદ લેવી જોઇએ. કેમકે પોસ્ટર પર ‘એક ભયાનક કોમેડી’ તરીકે ઓળખવામાં આવેલી આ ફિલ્મ અસલમાં માથું પકાવી દે એવી ભયાનક છે. હોરર કોમેડીનાની કોઇ શરતો પૂરી કરતી નથી. હોરરનું તો નામોનિશાન નથી. જેકીનો દેખાવ વિલન જેવો ખતરનાક હોવા છતાં કોમેડી પૂરી પાડે છે. પ્રતિભાશાળી સિધ્ધાંત અને ઇશાન ઓવરએક્ટિંગનો શિકાર બન્યા છે. ટ્રેલરે આશા વધારી હતી પણ એમાં ડર કે હાસ્ય નથી. ‘મિર્ઝાપુર’ વાળા નિર્દેશક ગુરમીત સિંહે હોલિવૂડની 20 વર્ષ જૂની ‘ફોન બૂથ’ ની રીમેક હોવાનું જાહેરમાં કહ્યું નથી.
કેમકે એવી ફિલ્મ બનાવી શક્યા નથી. દિમાગ લગાવ્યા વગર મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભારે શરીરવાળી સોનાક્ષી અને હુમાની ફિલ્મ ‘ડબલ XL’ માં હલ્કી- ફુલ્કી થોડી કોમેડી જરૂર છે. નવાઇની વાત એ છે કે હુમા સહિત ફિલ્મના નવ નિર્માતા છે. બોલિવૂડમાં હવે ફિલ્મો નહીં પણ પ્રોજેક્ટ બનતા હોય એનું આ ઉદાહરણ છે. એક નિર્માતા OTT સાથે સોદો કરાવી આપે છે અને બીજા સેટેલાઇટ રાઇટ્સ વેચી આપે છે. ફિલ્મને ‘જરા હટકે’ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં એની વાર્તા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. મેરઠની છોકરીને રમતગમતમાં પ્રસ્તુતકર્તા બનવું છે. અને માત્ર ક્રિકેટ જ રમતની દુનિયા હોય એવો અભિગમ છે. બીજી દિલ્હીની છોકરીને ફેશન ડિઝાઇનર બનવું છે.
તો નિર્દેશકે એમને લંડન લઇ જવાની શું જરૂર હતી એવો પ્રશ્ન થાય છે. એ સ્પષ્ટ સમજી શકાય છે કે એમનું વિદેશમાં શુટિંગ કરવાથી સબસીડીનો લાભ મળે એમ હતો. દર્શકોની કમનસીબી એ છે કે ફિલ્મની પ્રશંસા કરી શકાય એવું એકપણ પાસું નથી. કલાકારોનો અભિનય સામાન્ય છે. સોનાક્ષી કરતાં હુમા વધુ પ્રભાવિત કરે છે. ત્રીજી ફિલ્મ ‘મિલી’ માં જાન્હ્વી કપૂર મમ્મી શ્રીદેવીનો વારસો સાચવવા અભિનય માટે મહેનત કરતી દેખાય છે. અભિનેત્રીઓની છોકરીઓમાં જહાનવી પોતાને અગાઉની ફિલ્મથી બહેતર સાબિત કરી શકી છે. જાન્હ્વી માટે મલયાલમની ‘હેલન’ તૈયાર હતી. એની રીમેકમાં તેના ફાળે સંવાદ ઓછા હોવા છતાં અભિનયથી પ્રભાવિત કર્યા છે.
તે એક ડિપ ફ્રિઝરમાં બંધ થઇ જાય છે પછી જીવતી રહેવા જે સંઘર્ષ કરે છે એને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ રુંવાડા ઊભા થઇ શકે એવા ખાસ દ્રશ્ય નથી. ઇન્ટરવલ પછી ફિલ્મ જમાવટ કરે છે. મિલી ફ્રિઝરમાં ફસાઇ જાય છે એમાં વધુ સમય લીધો છે. તેના ટકી રહેવાના વિકલ્પ ઓછા બતાવાયા છે. નિર્દેશક ડ્રામા સાથે ડર ઊભો કરવામાં બહુ સફળ થતા નથી. એમાં બીજા મુદ્દા આવી જાય છે. દ્રશ્યોનું પુનરાવર્તન વધી જાય છે. ‘હેલન’ માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર નિર્દેશક મથુકુટ્ટીએ જ પોતાની ફિલ્મની હિન્દી રીમેક બનાવી હોવાથી વાર્તાને વધારે ખેંચી નથી. પરંતુ સહાયક કલાકારો ખાસ પ્રદર્શન કરી શકતા નથી. એ.આર. રહેમાનનું સંગીત બીજાથી અલગ તરી આવે એવું બન્યું નથી. જો નામ ના આવે તો ખ્યાલ જ ના આવે કે આ એમનું સંગીત છે. જાવેદ અખ્તરના ગીતો પણ સામાન્ય છે. દક્ષિણની રીમેક હોય ત્યારે કોઇની પાસે કંઇક મૌલિકની આશા રાખી શકાય નહીં.