મુંબઈ: બોલિવૂડના મશહૂર આર્ટ ડિરેકટર (Art Director) નિતિન દેસાઈએ (Nitin Desai) બુધવારે કર્જતનાં ND સ્ટુડિયોમાં આત્મહત્યા (Suicide) કરી લીધી છે. આ સમાચારથી બોલિવૂડ (Bollywood) જગતમાં સન્નાટો છવાઈ ગયો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટેનાં પ્રયાસ કરી રહી છે.
નીતિન દેસાઈએ ND સ્ટુડિયોમાં સવારે 4:30 વાગ્યે ફાંસી લગાવી હતી. તેમના મૃત્યુનું કારણ આર્થિક તંગી હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે 10 વાગ્યે નીતિન દેસાઈ પોતાના રૂમમાં ગયા હતા. આજે સવારે ઘણાં સમય સુધી બહાર આવ્યા ન હતા જેનાં કારણે તેમના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. બારીમાંથી જોતાં નિતિન દેસાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
બોલિવૂડનાં આર્ટ ડિરેકટરે મુંબઈથી 65 કિમી દૂર આવેલા તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવેલા કર્જતનાં એનડી સ્ટુડિયોમાં સવારે લગભગ 4 વાગ્યે મોતને વ્હાલું કર્યું હતું,. આ સમાચાર સામે આવતા જ બોલિવૂડ જગતમાં સન્નાટો છવાઈ ગયો છે. કર્જતનાં MLA મહેશ બલદીએ નિતિન દેસાઈની મોત અંગે જણાવ્યું કે તેઓ છેલ્લાં કેટલાય સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં હતા. જેનાં કારણે કદાચ તેઓએ આ પગલું ભયું હોય શકે છે. તેમણે કહ્યું તેઓ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા હતા અને છેલ્લાં ઘણાં દિવસોથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીતિન દેસાઈ 9 ઓગસ્ટે તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ અફસોસ કે તેમના જન્મદિવસ પહેલા જ તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.
51.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ હતો
મે મહિનામાં એક જાહેરાત એજન્સીએ નિતિન દેસાઈ પર 51.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે ત્રણ મહિનામાં જ કામ પૂરું થઈ ગયું હોવા છતાં દેસાઈએ પૈસા ચૂકવ્યા નથી. જોકે નિતિન દેસાઈએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે એજન્સીએ ભૂતકાળમાં પણ તેની સામે આવા ખોટાં આરોપો લગાવ્યા હતા.
પરિંદાથી આર્ટ ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી
નીતિને 1989માં ફિલ્મ પરિંદાથી આર્ટ ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોના સેટ તૈયાર કર્યા હતા. તેમણે ડિઝાઇન કરેલા પ્રખ્યાત ફિલ્મોના સેટમાં પ્યાર તો હોના હી થા, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે. ‘વૉન્ટેડ’, ‘બોડીગાર્ડ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘કિક’ જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મનું શૂટિંગ કર્જતના એનડી સ્ટુડિયોમાં થયું છે. છેલ્લાં 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન રહ્યું છે.
4 વખત નેશનલ એવોર્ડ મેળવ્યો
નીતિન દેસાઈને બેસ્ટ આર્ટ ડિરેક્ટર તરીકે 4 વખત નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બે દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલીવુડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. સિનેમાની દુનિયામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.