Entertainment

કંગના થપ્પડકાંડની બોલિવૂડે કરી નિંદા: અનુપમ ખેર, નાના પાટેકર સહિત આ અભિનેતાઓએ આપી પ્રતિક્રિયા

મુંબઇ: લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) શાનદાર જીત નોંધાવ્યા બાદ કંગના રનૌત (Kangana Ranaut) ગુરુવારે દિલ્હી જવા રવાના થઈ હતી. ત્યારે ચંદીગઢ એરપોર્ટ (Chandigarh Airport) પર એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા હતા. એરપોર્ટ પર તૈનાત એક CISF મહિલા સૈનિક અચાનક આવી અને કંગના રનૌતને થપ્પડ મારી હતી. આ મામલે બોલિવૂડના ઘણા પીઢના અભિનેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અસલમાં મહિલા સૈનિકે કંગનાને ખેડૂતોના આંદોલન દરમિયાન આપેલા નિવેદનને કારણે થપ્પડ મારી હતી, જેનો તેણીએ પોતે જ ખુલાસો કર્યો હતો. અભિનેત્રીને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર છે અને તેની માતા ખેડૂતોના આંદોલન દરમિયાન ધરણા પર બેઠી હતી. તેમજ આ આંદોલનના સંબંધમાં કંગનાએ જે નિવેદન આપ્યું હતું તેનાથી દુ:ખી થઇ સૈનિકે કંગનાને થપ્પડ મારી હતી. ત્યારે થપ્પડ મારવાની આ ઘટના બાદ કેટલાક લોકો કંગનાના સમર્થનમાં છે તો કેટલાક મહિલા સૈનિકને પણ સમર્થન આપી રહ્યા છે. આ દરમિયાન આ સમગ્ર મામલે નાના પાટેકર, શેખર સુમન, શબાના આઝમી, મીકા સિંગ, અનુપમ ખેર જેવા બોલિવૂડ સ્ટાર્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

અનુપમ ખેરે નિંદા કરી
એકઇન્ટરવ્યુ દરમિયાન અભિનેતા અનુપમ ખેરે આ સમગ્ર મામલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાએ કહ્યું- મને ખૂબ દુ:ખ થયું. પોતાના પદનો ગેરલાભ ઉઠાવીને અન્ય મહિલાએ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, તે તદ્દન ખોટું છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

અનુપમ ખેરે આગળ કહ્યું- જો તેમને કોઈ નારાજગી હતી તો પણ તેમણે પોતાના પદનો ફાયદો ઉઠાવીને આવુ કાર્ય કરવુ જોઇયે નહીં. જો ભૂતકાળની કોઈ વાતે તમને દુઃખ પહોંચાડ્યું હોય, તો તેને કહેવાની ઘણી જુદી જુદી રીતો છે, પરંતુ જે થયું તે ખૂબ જ દુઃખદ છે. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે કંગના હવે સાંસદ કે અભિનેત્રી છે, પરંતુ કંગના પણ એક મહિલા છે. આ પ્રકારની હિંસા કોઇ પણ વ્યક્તિ સાથે સ્વીકારી શકાય નહીં. આ તદ્દન ખોટું છે.

નાના પાટેકરે આપી પ્રતિક્રિયા
નાના પાટેકર ગઈકાલે રાત્રે ”સ્ટાર્સ ઓફ ઇન્ડિયા’ એવોર્ડ્સમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. અહીં કંગનાના મુદ્દે નાના પાટેકરને સવાલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને આ બાબતની કોઈ જાણકારી નહોતી. આખો મામલો જાણ્યા પછી તેમણે કહ્યું- ‘આ બહુ ખોટું છે, બહુ ખોટું છે, આવું થવું જોઈતું ન હતું.’

શબાના આઝમીનું ટ્વીટ

શબાના આઝમીએ એક ટ્વિટમાં આ સમગ્ર મામલા પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મારા દિલમાં કંગના માટે કોઈ ખાસ પ્રેમ નથી, પરંતુ હું મારી જાતને તે લોકોના જૂથમાં સામેલ કરી શકતી નથી જેઓ આ થપ્પડને કેલીબ્રેટ કરી રહ્યા છે. જો સુરક્ષાકર્મીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું શરૂ કરશે તો આપણામાંથી કોઈ સુરક્ષિત નહીં રહે.

આ સ્ટાર્સે પણ કંગનાને સપોર્ટ કર્યો હતો
આ સિવાય વિશાલ દદલાની, અનુપમ ખેર, સિકંદર ખેર અને અમન વર્મા, વિવેક અગ્નિહોત્રી, દેવોલિના ભટ્ટાચારજી, મીકા સિંહ, શેખર સુમન, ટીવી અભિનેત્રી શિવાંગી જોશી જેવા સ્ટાર્સે પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી અને કંગનાનું સમર્થન કર્યું હતું. આ પહેલા કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણીએ આ સમગ્ર મામલે બોલિવૂડના મૌન પર નિશાન સાધ્યું હતું.

Most Popular

To Top