બોલીવુડ અભિનેતા ઝાયેદ ખાનની માતા અને પ્રખ્યાત અભિનેત્રી-મોડેલ ઝરીન કતરકનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઝરીન કતરકે તા.7 નવેમ્બર 2025ના રોજ મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઝરીન કતરકના પરિવારજનોમાં પતિ અને જાણીતા ફિલ્મ નિર્માતા સંજય ખાન, તેમજ બાળકો સુઝાન ખાન, સિમોન અરોરા, ફરાહ અલી ખાન અને ઝાયેદ ખાનનો સમાવેશ થાય છે. તેમના નિધનના સમાચાર ફેલાતાં જ ફિલ્મ જગતના ઘણા સિતારાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
અહેવાલો મુજબ ઝરીન કતરક છેલ્લા ઘણા સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. કેટલીક મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જેના કારણે તેમનું અવસાન થયું.

ઝરીન કતરક બોલીવુડના સુવર્ણ યુગની જાણીતી મોડેલ, અભિનેત્રી અને ઇન્ટિરિયર ડિઝાઇનર રહી છે. 1960 અને 1970ના દાયકામાં તેમણે ફેશન જગતમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમની સુંદરતા અને શાંત સ્વભાવ માટે તેઓ જાણીતી હતી. ઝરીન કતરકએ ફિલ્મ “તેરે ઘર કે સામને” (1963)માં દેવ આનંદ સાથે અભિનય કરીને પ્રશંસા મેળવી હતી. ઉપરાંત તેમણે “એક ફૂલ દો માલી” જેવી ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું હતું.
ઝરીન કતરક અને સંજય ખાનનું લગ્નજીવન પણ તે સમયના બોલીવુડમાં ચર્ચાનું વિષય બન્યું હતું. બંનેએ 1966માં લગ્ન કર્યા હતા અને ચાર સંતાનોને જન્મ આપ્યો.
તેમજ જુલાઈ 2025માં ઝરીન કતરકએ પરિવાર સાથે પોતાનો 81મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આજે તેઓની યાદમાં પરિવાર અને મિત્રો તેમને એક પ્રતિભાશાળી, સૌમ્ય અને પ્રેરણાદાયી સ્ત્રી તરીકે યાદ કરી રહ્યા છે.