ગુજરાતના ભરૂચ જિલ્લાના સાઇખા GIDC માં મંગળવારે મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટથી હાહાકાર મચી ગયો. વિશાલ ફાર્મા કેમિકલ કંપનીના બોઇલરમાં અચાનક વિસ્ફોટ થતાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે અને આશરે 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાય છે.
માહિતી મુજબ મંગળવાર રાત્રે લગભગ 2.30 વાગ્યે સાઇખા ગામ નજીક આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની ચાર કંપનીઓને પણ મોટું નુકસાન થયું.
રાત્રિ દરમિયાન થયેલા આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની છ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. હાલમાં ઘટનાસ્થળે કૂલિંગ અને શોધખોળની કામગીરી ચાલુ છે. કારણ કે હજુ કેટલાક લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા છે.
સાયખા ગામના સરપંચ જયવીરસિંહે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે કંપની યોગ્ય પરવાનગી વિના કાર્યરત હતી છતાં વહીવટીતંત્રે ક્યારેય ધ્યાન આપ્યું નથી. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મામલતદાર અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કર્મચારીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાદમાં તેમના પરિજનોને સોંપવામાં આવશે.
આ દુર્ઘટનાએ ભરૂચ સહિત સમગ્ર ઉદ્યોગનગરમાં ચિંતા અને રોષનું વાતાવરણ ફેલાવી દીધું છે. સતત બનતા આવા બોઇલર બ્લાસ્ટના બનાવોને જોતા કામદારોની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ફરીથી ચર્ચામાં આવ્યા છે.