સુરત: પાંચ દિવસ પહેલા ડિંડોલીમાંથી ગુમ (missing) થયેલા યુવકની લાશ (death body) ઉધના ભીમ નગર વસાહતમાં દાટી દેવાઇ હોવાની માહિતી રેલવે પોલીસ તથા શહેર પોલીસને મળતા રેલવે, ઉધના અને ડિંડોલી પોલીસનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. રેલવે પોલીસની ચારથી પાંચ કલાકની મહેનત બાદ લાશને જમીનમાંથી બહાર કાઢી હતી. યુવકની અનૈતિક સંબંધમાં હત્યા કરાઇ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ-ડિંડોલી સ્થિત આર.ડી. નગર કોમ્પ્લેક્ષમાં રહેતો 29 વર્ષીય અજય ડગરુ મોરે ડીજેનો ઓપરેટર હતો. તે ગત તારીખ 22મી માર્ચથી ગુમ થયો હતો. બે દિવસ સુધી અજય મોરે ઘરે પરત નહીં આવતા પરિવારે ગત તારીખ 24મીએ ડિંડોલી પોલીસને અજયની ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે જે તે સમયે મીસીંગની નોંધ લઇ તેના પરિવારના સભ્યો તથા મિત્રોની મદદ લઇ અજયની શોધ માટે મહેનત કરી હતી. દરમિયાન તે મળી આવ્યો ન હતો.
પરંતુ શનિવારે સવારે રેલવે પોલીસને અજયની કરપીણ હત્યા કરી તેની લાશને ઉધના યાર્ડ સ્થિત ભીમ નગર વસાહતમાં દાટી દેવાઇ હોવાની મળેલી માહિતીના પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. રેલવે પોલીસે સ્થાનિક યુવકોની પુછપરછ હાથ ધરતા તેઓએ અજયને માર મારી તેની લાશને કયાંક દફનાવી દીધી હતી. જેના પગલે રેલવે પોલીસે ઉધના પોલીસ તથા ડિંડોલી પોલીસને જાણ કરી હતી. બંને પોલીસના જવાનો પણ ભીમ નગર વસાહતમાં આવી ગયા હતા. રેલવે પોલીસે સ્થાનિક રહિશોની ઊંડી પુછપરછ હાથ ધરી જે ઝુંપડાની જમીનમાં અજયના મૃતદેહને દાટી દીધો હતો તે ઝુંપડાને પહેલા તો તોડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેને ચારેય તરફથી ખુલ્લુ કરી દઇ જેમાં શરૂઆતથી કારીગરોની મદદ લઇ જમીન ખોદવામાં આવી હતી. રેલવે પોલીસે અંદાજે ચારથી પાંચ કલાકની ભારે મહેતન બાદ ગુમ અજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
રેલવે પોલીસના ડીવાયએસપી જાદવેજણાવ્યું હતું કે, અજય મોરેની લાશને શોધવામાં વધારે સમય લાગ્યો હતો. બાદમાં કામદારોની મદદ લઇ તેને મૃતદેહ બહાર કાઢ્યો હતો. રેલવે પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે પોલીસે તથા ડિંડોલી પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વીડિયોનો અભ્યાસ કરતા તેમાં મૃતક અજય અને તેનો મિત્ર સાગર સાથે જોવા મળ્યા હતા. તેના આધારે રેલવે પોલીસે સાગરની શોધખોળ કરી છે. એવુ કહેવાય છે કે, મૃતક અજય અપરિણીત હતો અને તેનું સાગરની પત્ની સાથે અફેર ચાલતું હોવાની પણ શકયતા છે. સાગરે પત્નીના પ્રેમી અજયની હત્યા કરી દીધી હોવાની સંભાવના છે.
યુવકનું અપહરણ કરાયું હતું
પત્નીના પ્રેમીનું કાસળ કાઢી નાંખવા માટે સાગરે અગાઉથી પ્લાન રચ્યો હતો. તેને ફરવા લઇ જવાને બહાને તેનું બાઇક ઉપર અપહરણ કરી તેની કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે.
હદ માટે શહેર અને રેલવે પોલીસ સાંજ સુધી લડતી રહી
ડિંડોલીનો યુવક અજય મોરે ઘરેથી ગુમ થયો હતો અને તેને ઉધના યાર્ડમાં મારવામાં આવ્યો હતો. બાદમાં તેને ભીમ નગર વસાહતમાં દાટી દેવામાં આવ્યો હતો. જેના કારણે શહેરની ઉધના અને ડિંડોલી પોલીસનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. સવારથી સાંજ સુધી ઉધના અને ડિંડોલી પોલીસ તથા રેલવે પોલીસ વચ્ચે ગુનો નોંધવા માટે ચકમક ચાલી હતી. આખરે રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.