નવી દિલ્હી: બાંગ્લાદેશમાં પાછલા થોડા સમયથી હિંસા ફાટી નીકળી છે. ત્યારે હિંસા દરમિયાન ઢાકાના (Dhaka) એક તળાવમાંથી 32 વર્ષની મહિલા ટીવી પત્રકારનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા પત્રકારનો (Journalist) મૃતદેહ મળી આવતા અનેક અટકળો ઉભી થઇ હતી. બીજી બાજુ મૃતક પત્રકારની ઓળખ સારા રહનુમા તરીકે થઈ હતી.
ઢાકા પોલીસ ચોકીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર બચ્ચુ મિયાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ હતું કે મૃત પત્રકારની ઓળખ 32 વર્ષીય સારાહ રહનુમા તરીકે થઈ હતી, જે મીડિયા હાઉસ ગાઝી ટીવીમાં ન્યૂઝરૂમ એડિટર હતી. મહિલા પત્રકાર સારાનો મૃતદેહ ઢાકાના હતિરજીલ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. ત્યારે રસ્તે ચાલતા રાહદારીઓએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ત્યારે માહિતી મળતા જ મૃતદેહ પર કસ્ટડી લઇ શવને ડીએમસીએચ ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસ બાદ મેડિકલ કોલેજ-હોસ્પિટલ (DMCH) ડોક્ટરોએ જણાવ્યું હતું કે રાત્રે 2 વાગ્યે સારાનું મોત નિપજ્યુ હતું. આ સાથે જ સારાએ મરતા પહેલા પોતાના મિત્ર માટે સોશિયલ મીડિયા પોસ્ટ પણ લખી હતી. જો કે મૃતકાના પતિએ જણાવ્યું હતુ કે તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના હતા.
સારાનો મૃતદેહ હતિરજીલ તળાવમાં મળ્યો
સારા રહનુમાના મૃતદેહને હોસ્પિટલ લઈ ગયેલા યુવાને મીડિયા સાથે વાત કરીતા જણાવ્યું હતુ કે “મેં હતિરજીલ તળાવમાં એક મૃતદેહ તરતો જોયો હતો. ત્યાર બાદ મૃતદેહને ઢાકા મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સારાને મૃત જાહેર કરી હતી.’’ બીજી બાજુ સારાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી કે જેમાં તેણીએ પોતાના એક મિત્રને ટેગ કર્યો હતો.
મૃત્યુ પહેલા સારાએ ફેસબુક પર લખ્યું..
પોસ્ટમાં સારાએ લખ્યું, “તમારા જેવો મિત્ર મેળવીને સારુ લાગ્યુ. ભગવાન હંમેશા તમારુ ધ્યાન રાખે. હું આશા રાખું છું કે તમે જલ્દીથી તમારા સપના પૂરા કરો. મને ખબર છે કે આપણી ઘણી બધી યોજનાઓ બનાવી હતી. પરંતુ આ યોજનાઓ હું પૂર્ણ ન કરી શકી તે બદલ મને માફ કરશો. ભગવાન તમારા જીવનના દરેક પાસામાં તમને આશીર્વાદ આપે.”
સમગ્ર મામલે ઈન્સપેક્ટર બચ્ચુ મિયાએ જણાવ્યું હતુ કે મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. તેમજ આ મામલે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી બાજુ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે સારાના મોતને હત્યા ગણાવી હતી. તેમજ આ મામલે રાજકીય વલણ અપનાવી હત્યાને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો બીજો ઘાતકી હુમલો ગણાવ્યો હતો.
સારાના પતિએ જણાવ્યું…
આ સાથે જ સારાના મૃત્યુ બાદ તેણીના પતિ સૈયદ શુભરોને જણાવ્યુ હતુ કે ઘટનાના દિવસે સારા રહનુમા કામ માટે ઘરેથી નીકળી હતી, પરંતુ ઘરે પરત ફરી ન હતી. તેમજ રાત્રે 3 વાગ્યે તેમને સારાના મૃત્યુ અંગે માહિતી મળી હતી. તેમજ તેમને કહેવામાં આવ્યું હતું કે સારાએ હતિરજીલ તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. શુભરોએ વધુમાં જણાવ્યું હતું કે સારા તેમનાથી અલગ થઈને ખુશ હતી અને બંને જલ્દી છૂટાછેડા માટે કાઝી ઓફિસ જવાના હતા.