ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 28મી માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં ધોરણ-10 અને 12નાં અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. કુલ 5094 બિલ્ડિંગના 52257 જેટલા વર્ગખંડોમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ધોરણ 10ના 9.46 લાખથી વધુ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 95 હજારથી વધુ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4.25 લાખથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરુ થઇ ગઈ છે.
ધો.10નું આજે ગુજરાતીનું પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પેપર પૂર્ણ થતાં સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. એકંદરે આજે પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 10 બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં આજે પહેલું પેપર ભાષાનું છે. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકીંગ કરાયું હતું. સાથે જ કેન્દ્ર પર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થી પોતાના સાથે કોઈ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ તેમાં મૂકી શકે.
ગોળ-ધાણાથી વિદ્યાર્થીઓનું સ્વાગત
સુરતની શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગોળ ધાણા-પુષ્પ વડે પરીક્ષા કેન્દ્રો પર સ્વાગત કરાયા છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી.
સુરતના મેયરનો વિદ્યાર્થીઓને સંદેશ
વિદ્યાર્થીઓમાં બોર્ડની એક્ઝામનો ડર ન રહે તેમજ શાંત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે તે માટે શહેરના મેયર દ્વારા સંદેશો પાઠવાયો હતો. મેયર હેમાલી બોઘાવાલા વિદ્યાર્થીઓના ઘરે પણ ગયા હતા અને તેમનો ઉત્સાહ વધારવાની સાથે સાથે ખોટા માનસિક તાણ વગર શાંત ચિત્તે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો.બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતાં.
બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષાઓ યોજાઇ
રાજયભરમાં બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા સાથેનું નેટવર્ક ઊભુ કરાયું છે. જેના પગલે ગેરરિતીની શકયતા નહીંવત રહે છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ઝેરોક્ષ સેન્ટરો પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાવાયરસના રોગચાળાને કારણે બોર્ડની પરીક્ષાઓ રદ થઇ હતી તે જોતા બે વર્ષ પછી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે.
પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ પોલીસ તૈનાત
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર આ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે તેમજ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ પોલીસ દ્વારા સધન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શાળાઓના ટ્રસ્ટીઓ પરીક્ષા કેન્દ્રમાં નહિ જઈ શકે
શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન શાળાઓના ટ્રસ્ટી કે અન્ય હોદ્દેદારો પરીક્ષા કેન્દ્રમાં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ બોર્ડ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બોર્ડની પરીક્ષાની કામગીરીમાં શાળા સંચાલક મંડળને કામગીરી સોંપવામાં આવતી નથી. માત્ર પરીક્ષાની કામગીરી સંભાળતા શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના રોગચાળાને કારણે રાજ્યમાં ગયા વર્ષે બોર્ડની પરીક્ષાઓ યોજાઇ ન હતી અને વિદ્યાર્થીઓને કસોટી પરીક્ષાઓના ગુણના આધારે માસ પ્રમોશન આપી દેવાયું હતું. તેની અગાઉના વર્ષમાં તારીખો બદલ્યા પછી પરીક્ષા લેવાઇ હતી. એટલે કે એક વર્ષના ગાળા પછી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે અને તે રીતે પણ આ પરીક્ષાઓ ધ્યાન ખેંચનારી બની રહી છે. વળી આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગેરરીતી નહીં થાય તે માટે કડક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.