National

બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ સાવધાન: પરીક્ષાની તૈયારી કરતી વખતે પ્રશ્નપત્રોના નામે કોઈ લિંક આવે તો તેને ક્લિક ના કરતા, નહીં તો…

10 અને 12 બોર્ડની પરીક્ષા હવે બસ નજીક છે અને વિદ્યાર્થીઓ પણ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. આવા સમયમાં ઓનલાઇન સર્ચ કરી અને પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો મેળવવાની લ્હાયમાં કયારેક મોટું નુકસાન પણ વહોરવું પડી શકે છે. પરીક્ષાની તકોનો લાભ લઈ સાઇબર ગઠિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. તેઓ વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવવા માટે પાસ થવા માટે મહત્વના પ્રશ્નો મોકલવાની લાલચ આપે છે અને ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ કે મેઇલ દ્વારા લિંક મોકલે છે.આ લિંક ક્લિક કરતા જ ફોન હેક થઈ જાય છે અને વ્યક્તિગત ડેટા ચોરી લેવાઈ છે.

સાઇબર ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને ફસાવવા માટે વિવિધ પ્લેટફોર્મ્સ પર પોતાના અકાઉન્ટ પણ બનાવ્યા હોવાનું સાઈબર સેલ દ્વારા જણાવાયું છે. ઇન્સ્ટાગ્રામ પર પાસ કરાવવા માટેના ગ્રુપ બનાવવામાં આવ્યા છે તેમજ ટેલિગ્રામ પર બોર્ડના નામે વિવિધ ચેનલ્સ અને ગ્રુપ બનાવી ફસવણૂક કરવામાં આવે છે. ખાસ કરીને “pepar.apk” નામની ફાઇલ મોકલીને વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરવા પ્રેરવામાં આવે છે. આ ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઇલ હેક થઈ જાય છે અને અપરાધીઓ બેંકની વિગતો મેળવી બેંક ખાતું ખાલી કરી નાખે છે. આ સમગ્ર મામલે અપરાધ શાખાએ એડવાઇઝરી પણ બહાર પાડી છે. સલાહ આપવામાં આવી છે કે આઈએમપી પ્રશ્નના નામે કોઈ એપીકે ફાઇલ કે અજાણી લિંક કોઈ અજાણ્યા નંબર પરથી આવે તો તેનીથી દૂર રહેવું. આવી કોઈ લિંક મળે તો તરત જ સાઇબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો અથવા ચક્ષુ એપ પર ફરિયાદ નોંધાવવી. જો કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તેણે વિલંબ કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન કે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

Most Popular

To Top