વડોદરા : શહેરની પ્રતાપ સ્કૂલ ખાતે (BLO) સહાયક તરીકેની કામગીરીમાં જોડાયેલા એક મહિલા કર્મચારીનું આજે ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવાર અને સહકર્મીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડોદરાના કર્મચારી આલમમાં શોક
ફરજ પર હાજર ગોરવા ITIના કર્મચારી ઉષાબેન સોલંકીની તબિયત લથડતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા, તબીબે મૃત જાહેર કર્યા

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા કર્મચારીનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. આશરે ૪૫) છે. તેઓ મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. ઉષાબેન સોલંકી ગોરવા મહિલા (ITI) ખાતે નોકરી કરતા હતા અને ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે પ્રતાપ સ્કૂલ ખાતે બીએએલઓ સહાયક તરીકેની ફરજ પર હતા.
શનિવારે સવારે જ્યારે તેઓ પ્રતાપ સ્કૂલ ખાતે તેમની ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન તેમની તબિયત અચાનક લથડી હતી. સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ફરજ દરમિયાન મહિલા કર્મચારીના અચાનક થયેલા નિધનથી સરકારી વિભાગના કર્મચારીઓ અને ગોરવા ITIના તેમના સહકર્મીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. (BLO)ની કામગીરીમાં જોડાયેલા અન્ય કર્મચારીઓ પણ આ દુ:ખદ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. ઉષાબેન સોલંકીના પરિવાર પર આભ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.