World

દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા

યુએસ-ઇરાન યુદ્ધનો ગલ્ફમાં ખતરનાક ફેલાવો

યુએસ-ઇરાન યુદ્ધ વચ્ચે ગલ્ફ વિસ્તારમાં તણાવ સતત વધતો જાય છે. ડ્રોન હુમલાની ઘટના પછીના એક દિવસમાં જ દુબઈના મધ્ય વિસ્તારમાં ધડાકા સંભળાયા અને આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સમાચાર એજન્સી AFP મુજબ, આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

ગુરુવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સે ઇરાન તરફથી છોડવામાં આવેલા હુમલાઓને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, યુએઈએ કુલ 10 બેલિસ્ટિક મિસાઈલ અને 26 ડ્રોનને આકાશમાં જ અટકાવી દીધા હતા. તેમ છતાં એક ડ્રોનના અવશેષ દુબઈના અલ બડા વિસ્તાર અને શેખ ઝાયેદ રોડની એક ઈમારતના ફસાડ પર પડી ગયા હતા.

આ ઘટનાના પગલે દુબઈના ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં કામ કરતી કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓફિસો ખાલી કરાવવાની શરૂઆત કરી છે. અમેરિકાની બેન્કિંગ કંપની Citi, તેમજ કન્સલ્ટન્સી કંપનીઓ Deloitte અને PwCએ કર્મચારીઓને ઓફિસ છોડવા સૂચના આપી હતી. બીજી તરફ મીડિયા કંપની Bloombergએ પણ દુબઈ અને ગલ્ફ વિસ્તારમાં કામ કરતા પોતાના સ્ટાફને તાત્કાલિક રીતે રીમોટ વર્ક કરવાની છૂટ આપી છે.

મિડલ ઈસ્ટમાં વધતા તણાવનો અસર પાડોશી દેશો પર પણ પડી રહી છે. શુક્રવારે વહેલી સવારે બહરીનમાં એર રેડ સાયરન વાગ્યા હતા, કારણ કે ઇરાની ડ્રોન હુમલા બાદ એરપોર્ટ નજીક ફ્યુઅલ ટાંકીઓ પાસે ભંયકર આગ લાગી હતી. આંતરિક મંત્રાલયે નાગરિકોને શાંતિ રાખવા અને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરી છે.

આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી સંગઠન મુજબ યુદ્ધના કારણે ઈરાનમાં આશરે 32 લાખ લોકો તાત્કાલિક સ્થળાંતર કરવા મજબૂર થયા છે. મોટાભાગના લોકો તેહરાન અને મોટા શહેરોમાંથી ઉત્તર અને ગ્રામ્ય વિસ્તારો તરફ જઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો યુદ્ધ ચાલુ રહેશે તો ગલ્ફ વિસ્તારમાં સુરક્ષા અને અર્થતંત્ર પર તેની મોટી અસર પડી શકે છે.

Most Popular

To Top