ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કામાં 7 મે, 2024ને મંગળવારના રોજ ગુજરાતમાં 25 સીટ પર મતદાન યોજાયું હતું. જેનું કુલ મતદાન 60.13% નોંધાયું હતું. તેમજ આજે એટલેકે 4 જૂનના રોજ ગુજરાતની આ તમામ 25 બેઠકોના પરિણામ જાહેર થયા હતા. જેમાં ભારે રસાકસી બાદ ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) 24 બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી, જ્યારે માત્ર એક બેઠક બનાસકાઠાંના કારણે ભાજપા ક્લીન સ્વીપ મેળવવાથી રહી ગઈ હતી.
ભાજપાને ક્લીન સ્વીપ મેળવવાથી રોકનાર બીજું કોઇ નહીં પણ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર હતા કે જેમણે 20,000 મતોની લીડ મેળવી ભાજપાના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. ગેનીબેને રેખાબેન ચૌધરી કરતા 20,000 વોટ વધુ મેળવી લીડ હાંસલ કરી જીત મેળવી હતી. રેખાબેન ચૌધરીને આ બેઠક ઉપર 590785 મત મળ્યા હતા. જ્યારે ગેની બેને 611116 મત મેળવી પોતાનો દિલ્હી જવાનો રસ્તો પ્રબળ બનાવ્યો હતો.
આ સાથે જ ભાજપાએ રેકોર્ડબ્રેક 24 બેઠકો પર જીત મેળવી હતી. જેમાં સૌથી વધુ બહુમત ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક ઉપર મેળવી હતી. ગુજરાતની ગાંધીનગર બેઠક 35 વર્ષથી ભાજપ પાસે છે. અમિત શાહ પહેલા આ સીટ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી. વર્ષ 2019માં ભાજપે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે તેઓ અડવાણીનો રેકોર્ડ તોડીને 5 લાખ મતોથી જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસના નેતા સોનલ પટેલ સામે ચૂંટણી લડી હતી.ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી જીત થઈ છે.
મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના હરિભાઈ 3,23,036 મતોની લીડ મેળવી હતી. હરિભાઈ પટેલે 6,75,614 મત મેળવ્યા હતા જ્યારે રામજીભાઈ ઠાકોરે 3,52,578 મતો મેળવ્યા હતા. આમ મહેસાણા બેઠક ઉપર પણ ભાજપાએ રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. આ સાથે ઉત્તર ગુજરાતની બીજી બેઠક સાબરકાંઠામાં ભાજપાના શોભનાબેન બારૈયાએ 1,59,533 મતોથી લીડ મેળવી કોંગ્રેસના તુષાર ચૌધરીને હરાવ્યા હતા.
પાટણમાં પણ ભારે રસાકસી બાદ ભાજપાએ જીત મેળવી હતી. અસલમાં બપોર સુધીમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર લીડમાં હતા પરંતુ અંતે ભાજપાના ભરતસિંહ ડાભીએ 25,614 મતોથી લીડ મેળવી હતી. અહીં કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 53912 મતો મળ્યા હતા. જ્યારે ભાજપાના ભરતસિંહ ડાભીને 56526 મતો મળ્યા હતા.
આ સાથે જ અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે જીત મેળવી હતી. અહીં ભાજપના હસમુખ પટેલ 4 લાખથી વધુ મતની લીડ સાથે વિજય બન્યા હતા. તેમણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલનને 3,03,111 મત સાથે હરાવ્યા હતા. તેમજ અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો વિજય થયો હતો. અહીં ભરત સુતરિયાએ તમામ રેકોર્ડ તોડ્યા હતા. ભરત સુતરિયાનો 3 લાખ 19 હજારથી વધુ મતોથી વિજય થયો હતો. ભરત સુતરિયાને કુલ 5,77,820 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરને કુલ 2,58,231 મત મળ્યા હતા.
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ 775091 મત મેળવ્યા હતા. તેમજ પરેશ ધાનાણીએ 327532 મત મેળવ્યા હતા. પરિણામે રૂપાલાએ 447559 મતથી આગળ રહી જીત મેળવી હતી. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે 662622 મતો મેળવ્યા હતા. જ્યારે ઋત્વિકભાઈ મકવાણાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી 402504 મત મેળવ્યા હતા. આ સાથે જ ભાજપ 260118 મતોની લીડ સાથે વિજેતા જાહેર થયું હતું.
આ 24 બેઠકો પર ભાજપાની જીત
અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, વલસાડ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, નવસારી, ભાવનગર, ભરુચ, કચ્છ, બાર઼ડોલી, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, પાટણ, આણંદ, સાબરકાંઠાની બેઠકો ઉપર ભાજપાએ જીત મેળવી હતી.