Gujarat

ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’

ગાંધીનગર,તા.9
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ માટે ભાજપે આખરે ઉમેદવારોના નામ જાહેર કરીને રણશિંગુ ફૂંકી દીધું છે. ભાજપની પ્રથમ યાદીમાં અનેક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ IPS મનોજ નિનામાનું નામ છે. સવારે પક્ષમાં જોડાયેલા પૂર્વ પોલીસ અધિકારીને સાંજે જ ઉમેદવાર જાહેર કરી ભાજપે વિપક્ષોને જોરદાર આંચકો આપ્યો છે.

IPS થી રાજકારણ: મનોજ નિનામાનો ધમાકેદાર પ્રારંભ
પૂર્વ આઈપીએસ પી.સી. બરંડા બાદ વધુ એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ખાખી છોડીને કેસરિયો ધારણ કર્યો છે. પૂર્વ IPS મનોજ નિનામાએ આજે સવારે જ સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો અને ભાજપે તેમને તુરંત જ અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ નિર્ણયથી અરવલ્લીના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર મહાનગર: 52 બેઠકો પર ‘જૈસે થે’ની સ્થિતિ
ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પોતાની જૂની અને ભરોસાપાત્ર ‘રિપીટ થિયરી’ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. અહીં તમામ 52 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. જોકે, અન્ય પાલિકાઓમાં અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે, જ્યારે કેટલાક જૂના જોગીઓ પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા છે.
વાવ-થરાદ અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના નામ જાહેર
પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

  • વાવ-થરાદ: જિલ્લા પંચાયતના ઉમેદવારોની જાહેરાત.
  • અરવલ્લી: મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર અને મેઘરજ તાલુકા પંચાયતોના નામ જાહેર
  • ગૂંચવણ – OBC વસ્તી અને જનરલ બેઠકોના સંતુલનને લઈને હજુ પણ મંથન ચાલુ છે.
    ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ – ઉમેદવારોની પસંદગી માટે મથામણ અને ખેંચતાણ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો દોર અત્યંત નિર્ણાયક અને જટિલ તબક્કામાં પહોંચ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક જિલ્લાઓ અને કોર્પોરેશન સ્તરે ઉમેદવારોના નામો પર સર્વસંમતિ ન સધાતા બોર્ડની બેઠક એક દિવસ માટે લંબાવવાની ફરજ પડી છે. ટિકિટ વહેંચણી મુદ્દે નેતાઓ વચ્ચે વધેલી ખેંચતાણ અને રોટેશન પ્રક્રિયાને કારણે સર્જાયેલી ગૂંચવણ ભાજપ માટે આ વખતે મોટી પડકાર સાબિત થઈ રહી છે. જનરલ બેઠકો પર OBC વસ્તીના સમીકરણો અને રાજકીય નુકસાનની ભીતિને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા અત્યંત સાવચેતીપૂર્વક મંથન કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ બેઠકો પર પ્રદેશ કક્ષાએથી સીધી દખલગીરી અને આંતરિક મતભેદો ઉકેલવાના પ્રયાસો વચ્ચે, હવે શુક્રવાર સુધીમાં તમામ સ્તરના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણીમાં સંતુલન જાળવવાની રણનીતિ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઘડવામાં આવી રહી છે.

Most Popular

To Top