ગાંધીનગર : ગુજરાતમાં આગામી ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની બેઠકો માટે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અનેક દિગ્ગજો, યુવા ચહેરાઓ અને સામાજિક આગેવાનોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. રાજ્યભરમાં આશરે 10 હજાર સીટો માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા તેજ બની છે અને હજારો કાર્યકરો ટિકિટ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને “સત્તાની સેમિફાઈનલ” તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ સંગઠનાત્મક શક્તિ સાથે મેદાનમાં ઉતર્યું છે. હવે આવતીકાલે ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે. તે પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જો કે ભાજપે સંભવિત નિયમો બનાવ્યા છે તેમાં એક નિયમ એ પણ છે કે જેમણે ત્રણ ટર્મ પૂર્ણ કરી હોય તેમને તક આપવામાં નહીં આવે.
સુરતમાં દાવેદારોનો રાફડો, ધાર્મિક માલવિયાની એન્ટ્રી
સુરત શહેરમાં ભાજપની ટિકિટ માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. પાટીદાર સમાજમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો આગળ આવ્યા છે. ખાસ કરીને પાસના નેતા ધાર્મિક માલવિયા દ્વારા વોર્ડ નંબર 2માંથી દાવેદારી નોંધાવતાં રાજકીય ચર્ચા તેજ બની છે. એક સમયે ભાજપના વિરોધમાં રહેલા માલવિયાએ હવે અનામત મળ્યા બાદ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.આ ઉપરાંત એક જ પરિવારની દેરાણી-જેઠાણી દ્વારા ટિકિટ માગતા રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે, જે સ્થાનિક સ્તરે રસપ્રદ પરિસ્થિતિ ઉભી કરે છે.
વડોદરામાં 76 બેઠક માટે 1434 દાવેદારો
વડોદરામાં ભાજપ માટે ટિકિટ મેળવવી મુશ્કેલ બનતી જાય છે. 19 વોર્ડની 76 બેઠકો માટે કુલ 1434 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. કેટલાક વોર્ડમાં 90થી વધુ દાવેદારો સામે આવ્યા છે, જ્યારે વોર્ડ 15 અને 16માં માત્ર 41 દાવેદારો નોંધાયા છે. હવે સંકલન સમિતિ આ નામોને અલગ કરીને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરશે
રાજકોટમાં નવા ચહેરાઓને તક, દિલીપ સરવૈયા મેદાનમાં
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં યુવાનોને પ્રાથમિકતા આપવાની ચર્ચા છે. જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ જિલ્લા પંચાયત માટે દાવેદારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું કે, પાર્ટી ટિકિટ આપે તો વિકાસ કાર્યોને આગળ વધારશે અને પિતાની લોકપ્રિયતાનો ફાયદો મળશે.
અમદાવાદમાં મોટા પાયે ટિકિટ કપાવાની શક્યતા
અમદાવાદમાં ભાજપે 48 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. પાર્ટીના આંતરિક નિયમોને કારણે 40થી વધુ હાલના કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. ઉંમર, ત્રણ ટર્મ અને ગેરશિસ્ત જેવા મુદ્દાઓને આધારે આ નિર્ણય લેવાઈ શકે છે.
ભાજપના ટિકિટ માટેના સંભવિત નિયમો
ભાજપના ટિકિટ માટેના સંભવિત નિયમો અંગે પાર્ટીના પ્રવક્તા અનિલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ ચોક્કસ વય મર્યાદા નક્કી નથી, પરંતુ ભાજપના આંતરિક સૂત્રો મુજબ પાર્ટી નેતાદીરીએ ટિકીટ આપવા માટે નક્કી કરેલા માપદંડો પણ ચર્ચામાં છે:
(૧) ૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિને ટિકિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે નહીં,
(૨) જે ઉમેદવારોએ અગાઉ ત્રણ ટર્મ પૂરી કરી હોય તેમને ફરી મોકો આપવામાં આવશે નહીં,
(૩) એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને ટિકિટ આપવાનો કડક નિયમ અમલમાં મૂકાશે
(૪) ઉમેદવારની સોશિયલ મીડિયા એક્ટિવિટી તેમજ તેમના ફોલોઅર્સની સંખ્યાને પણ પસંદગી પ્રક્રિયામાં વિશેષ રીતે ધ્યાને લેવામાં આવશે.
બગદાણા વિવાદના નવનીત બાલધિયા કોંગ્રેસમાં
રાજકીય ઉથલપાથલ વચ્ચે બગદાણાના સેવક નવનીત બાલધિયાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયેલા નવનીતે ભાજપ સરકાર પર અન્યાયનો આરોપ લગાવી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોળી સમાજમાં નવનીત પ્રત્યેની સહાનુભૂતિ કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.