Gujarat

60 વર્ષથી ઉપરનાની ટિકિટ ભાજપ કાપી નાંખશે

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. તમામ પક્ષોએ પોતપોતાના સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ભાજપે પણ ઉમેદવારી માટેની પોતાની આંતરિક રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ચૂંટણી પૂર્વે ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. અનેક નેતાઓએ સંગઠન કક્ષાએ સંપર્કો વધાર્યા છે અને પોતાના દાવાને મજબૂત કરવા પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ આ જ સમયે ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આ વખતે ટિકિટ ફાળવણીમાં જૂની અને કડક ફોર્મ્યુલા જ લાગુ કરવામાં આવશે. કમલમ ખાતેના પક્ષના આંતરિક સૂત્રો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓને ઉમેદવારી આપવામાં નહીં આવે. સંગઠન નવા અને યુવા ચહેરાઓને પ્રાથમિકતા આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ નિર્ણયથી ઘણા વરિષ્ઠ નેતાઓના દાવ પર અસર થવાની શક્યતા છે.

ભાજપ આ વખતે ‘નો રિપીટ થિયરી’ને પણ કડકપણે અમલમાં મૂકશે. એટલે કે, જે નેતાઓ બે કે તેથી વધુ વખત કોર્પોરેટર અથવા તાલુકા-જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, તેમને ફરી ટિકિટ મળવાની શક્યતા ઓછી છે. પક્ષમાં નવી નેતાગીરી ઉભી કરવા અને કાર્યકરોને તક આપવા આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.

સ્વચ્છ છબી પર ભાર

પક્ષે સ્પષ્ટ કર્યું છે કે ગુનાહિત રેકોર્ડ ધરાવતી વ્યક્તિઓને ઉમેદવારી આપવામાં નહીં આવે. ઉમેદવારોની પસંદગી પક્ષના નક્કી કરેલા માપદંડો અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના આધારે કરવામાં આવશે.

દબાણ કે લોબિંગથી ટિકિટ નહીં મળે

ભાજપના આ નિર્ણયથી દાવેદારો માટે સંદેશ સ્પષ્ટ છે — માત્ર દબાણ કે લોબીંગથી ટિકિટ નહીં મળે, પરંતુ પક્ષના ધોરણોનું પાલન અનિવાર્ય રહેશે.ચૂંટણી પૂર્વે ભાજપે અપનાવેલી આ રણનીતિથી એક તરફ સંગઠનમાં યુવા ચહેરાઓને પ્રોત્સાહન મળશે, તો બીજી તરફ વરિષ્ઠ અને પુનરાવર્તિત ઉમેદવારો માટે પડકાર ઊભો થશે. હવે જોવાનું રહ્યું કે પક્ષની આ કડક ફોર્મ્યુલા ચૂંટણી પરિણામોમાં કેટલો ફાયદો કરાવે છે.

Most Popular

To Top