ગાંધીનગર : આજે વિધાનસભાની બેઠકના આરંભમાં જ ગૃહમાં નવા અધ્યક્ષ તરીકે ભાજપના (BJP) થરાદના સભ્ય શંકર ચૌધરીની વરણી કરાઈ હતી. ગૃહની કાર્યવાહીના આંરભે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ પદે શંકર ચૌધરીની વરણી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો.
ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસના સિનિયર સભ્ય શૈલેષ પરમાર, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પોતાના સ્થાન પરથી ઊભા થઈને શંકર ચૌધરીની ચેર તરફ ગયા હતાં અને તેમને અધ્યક્ષની ચેર તરફ દોરી ગયા હતા. તે પછી શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકનો પદભાર સંભાળી લીધો હતો. તેવી જ રીતે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસ્તવ રજૂ કર્યો હતો.
અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. આવી છબી બદલવાનો હું ચોક્કસ પ્રયાસ કરીશ. વિધાનસભા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું એટલું જ નહીં લોકશાહીને મજબૂત કરવા કામ કરીશ. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું. ચૌધરીએ કહ્યું હતું કે અધ્યક્ષ તરીકે સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષને બન્નેને સંતોષ થાય તેવી કામગીરી કરીશ.જરૂર પડશે તો સિનિયર સભ્યોનું માર્ગદર્શન લેવાની વાત પણ તેમણે કરી હતી.
અધ્યક્ષ – ઉપાધ્યક્ષની વરણી કરાઈ
આજે સવારે ગૃહની કાર્યવાહી દરમ્યાન અધ્યક્ષ પદે શંકર ચૌધરી તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરાઈ છે. આજે અધ્યક્ષ પદની જવાબદારી સંભાળતા પહેલા શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી નિષ્પક્ષ રીતે નિભાવવા માટે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દેવું પડતું હોય છે.