ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ પૂર્ણ થતા હવે રસાકસીભર્યો જંગ જામ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ (SEC) ના જણાવ્યા અનુસાર, કુલ 9,992 બેઠકો માટે 32,748 ફોર્મ ભરાયા છે. જોકે, ફોર્મની ચકાસણી બાદ આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.ચૂંટણીના પ્રારંભિક ચિત્રમાં જ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યભરની વિવિધ સ્થાનિક સંસ્થાઓની અંદાજે 70 બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસ, આપ કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવારે ફોર્મ જ ભર્યું નથી. આ બેઠકો પર ભાજપની બિનહરીફ જીત નિશ્ચિત માનવામાં આવે છે, જેનું સત્તાવાર ચિત્ર 15 એપ્રિલે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા બાદ સ્પષ્ટ થશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશિંગા ફૂંકાતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક શરૂઆત કરી છે અને મતદાન થાય તે પહેલા જ રાજ્યભરમાં 47થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાવી દીધો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ 25 બેઠકો બિનહરીફ થયા બાદ આ આંકડો 47 સુધી પહોંચ્યો છે, જે વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારોની અછત અને સંગઠનાત્મક નબળાઈના સંકેત આપે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 9 બેઠકો, વલસાડની 5 અને તાપીમાં 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ હરીફ ન રહેતા પક્ષમાં ઉત્સાહનો માહોલ છે. મહેસાણામાં કડી નગરપાલિકાની 36માંથી 22 બેઠકો બિનહરીફ જીતીને ભાજપે સત્તા કબજે કરી લીધી છે, જ્યારે ખેડા જિલ્લામાં ઠાસરા અને મહેમદાવાદમાં કુલ 11 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. કચ્છના નખત્રાણાના વોર્ડ નં. 4 અને 5, પાટણના શંખેશ્વરની ટુવડ બેઠક તેમજ બનાસકાંઠાની કાંકરેજમાં પણ ભાજપે જીત નોંધાવી છે. નોંધનીય છે કે વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં તો આખી પેનલ જ બિનહરીફ જાહેર થઈ છે. વિપક્ષોમાં ઉમેદવારોનો દુકાળ અને આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે નવસારીના બીગરી, દેવસર અને ધેજ જેવી બેઠકો પર કબજો જમાવીને ચૂંટણી પહેલા જ રાજકિય પ્રતિસ્પર્ધી પર સરસાઈ મેળવી લીધી છે, જે રાજ્યના રાજકારણમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્પષ્ટપણે દર્શાવે છે.રાજકીય વિશ્લેષકો મત મુજબ વિપક્ષમાં ઉમેદવારોની અછત અને આંતરિક મતભેદો ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે.