Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સજ્જ – અમદાવાદમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને આપ્યો ‘બૂથ વિજય’નો મંત્ર

અમદાવાદ,તા.1
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે અમદાવાદ મહાનગર ખાતે ઉત્તર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રત્યેક બૂથમાં વિજયના લક્ષ્યાંક સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી.આજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે વિશ્વકર્માએ કહયું હતું કે, ભાજપા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સજ્જ છે.

સામર્થ્યવાન નેતૃત્વ અને કાર્યકર્તાઓની વિશાળ ફોજ
બેઠકને સંબોધતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપા પાસે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિઝનરી નેતૃત્વ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ભાજપ પાસે સમર્પિત કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે, જે ‘રાષ્ટ્ર પ્રથમ’ના વિચાર સાથે સતત જનતાની વચ્ચે રહે છે. તેમણે ઉમેર્યું કે, ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પણ ‘ચરૈવેતી-ચરૈવેતી’ની ભાવના સાથે અંત્યોદયના લક્ષ્યને સાકાર કરવા બારેમાસ કાર્યરત રહે છે.

વિપક્ષના ‘ખોટા નરેટિવ’ સામે સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ
ચૂંટણી ટાણે સક્રિય થતા વિપક્ષી પક્ષો પર પ્રહાર કરતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવતા અપપ્રચાર, ભ્રામક વાતો અને ખોટા નરેટિવ સામે નાગરિકોને સાચી માહિતીથી અવગત કરાવવા જરૂરી છે. તેમણે કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ કરી સરકારની સચોટ કામગીરી જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું.

વિકાસના મંત્ર સાથે પ્રચંડ વિજયનો વિશ્વાસ
પ્રદેશ ભાજપના અધ્યક્ષે આહ્વાન કર્યું હતું કે, મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને સિનિયર સિટીઝનો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીના વડપણ હેઠળ કરાયેલી અભૂતપૂર્વ કામગીરીની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવી જોઈએ. તેમણે કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્ક દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જનાદેશ સાથે ભાજપના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ બેઠકમાં પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધન ઝડફિયાએ પણ ઉપસ્થિત રહીને જિલ્લા, મંડળ અને બૂથ સ્તર સુધી સુનિયોજિત સંગઠન વ્યવસ્થા અંગે કાર્યકર્તાઓને પાયાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Most Popular

To Top