ગાંધીનગર(Gandhinagar): રાજકોટના (Rajkot) ભાજપના (BJP) ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) તાજતેરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) પત્ર લખીને એવો આક્ષેપ કર્યો છે કે, રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મોટું તગડું કમિશન લઈને ડૂબેલાં નાણાં કઢાવી આપે છે. આક્ષેપના પગલે ગાંધીનગરમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આમ તો પૂર્વ સીએમ વિજય રૂપાણીની નજીકમાં મનાય છે. જો કે હવે તેમણે રૂપાણીથી અંતર બનાવી રહ્યા છે.
પટેલે પત્રમા લખ્યું હતું કે ગુંડા કે મવાલીની જેમ રાજકોટના પોલીસ કમિશનર ઉધરાણીનાં નાણાં કઢાવી આપે છે. જેના ઘણા કિસ્સા રાજકોટમાં બન્યા છે. એક ઘટના તો તાજેતરમાં રાજકોટના મહેશભાઈ સખીયાની બની હતી. તેમની સાથે 15 કરોડનું ચીટિંગ થયું હતું. આ ઘટનામાં 15 ટકા કમિશન લેવાયું હતું. આ કેસમાં ફરિયાદ દાખલ કરાઈ નહોતી, જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સાતેક કરોડ કઢાવી આપ્યા હતા. જેમાંથી 75 લાખ લઈ લીધા હતા. એ પછી બાકીના 30 લાખ માટે ઉઘરાણી કરતા હતા. બાદ ગૃહમંત્રીની સૂચનાના પગલે ફરિયાદ દાખલ કરાઈ હતી. બે આરોપી પકડાયા છે. જ્યારે હજુયે એક આરોપી નાસતો ફરે છે. આ આરોપીએ ચીટિંગના રૂપિયાથી ફ્લેટ પણ લઈ લીધો છે. આ રીતે રાજકોટના પોલીસ કમિશનર હવે ડૂબેલાં નાણાં કમિશન લઈને કઢાવી આપે છે. હવે 75 લાખ તેમણે લઈ લીધા છે પણ પરત આપવા જોઈએ.
રાજકોટના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ કહ્યું હતું કે, મનોજ અગ્રવાલ કોઈનું પણ કામ મફતમાં કરતા જ નથી. સિલેક્ટેડ લોકોનાં કામ જ થાય છે. જે કામમાં રૂપિયા ના મળે તે કામો થતાં જ નથી. રાજકોટના પોલીસ કમિશનર જમીનના સેટિંગ કરાવે છે. રાજકોટમાં શસ્ત્રનાં લાઇસન્સ માટે માટે પણ ઉઘરાણાં કરાવાય છે. રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે હું જાતે જ રાજકોટની મુલાકાતે જવાનો છું. બીજી તરફ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો સંપર્ક કરતાં તેમણે કહયું હતું કે મારી કરાયેલા તમામ આક્ષેપો ખોટા છે. આ તમામ આક્ષેપોની તપાસ કરાશે.