ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ કર્યું છે. આજથી ગાંધીનગરમાં શરૂ થયેલી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં ટિકિટ વિતરણને લઈને કેટલાક કડક અને ચોંકાવનારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેના કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાય તેવી શક્યતા છે. ભાજપના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી આગામી ચૂંટણીમાં એન્ટી-ઈન્કમ્બન્સી રોકવા અને વંશવાદને નાબૂદ કરવા માટે મક્કમ છે. વય મર્યાદા અને ટર્મ લિમિટના નિયમોને કારણે જૂના જોગીઓ માટે રસ્તો બંધ થયો છે, જ્યારે ઉત્સાહી અને નવા યુવા ચહેરાઓ માટે રાજકારણના દ્વાર ખુલ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ પંચાલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ સિનીયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાર્ટીના આંતરિક સુત્રો જણાવી રહ્યા છે કે, પાર્ટી દ્વારા સંગઠનને નવું લોહી પૂરું પાડવા અને યુવા ચહેરાઓને તક આપવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા કોઈપણ કાર્યકર કે નેતાને ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક આપવામાં નહીં આવે. ઉપરાંત જે સભ્યોએ સતત ત્રણ ટર્મ (૧૫ વર્ષ) પૂર્ણ કરી છે, તેમને આ વખતે ફરજિયાત આરામ આપી નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે જો પરિવારમાં કોઈ એક સભ્યને અગાઉ ટિકિટ આપવામાં આવી હોય, તો તે જ પરિવારના બીજા સભ્યને ટિકિટ આપવામાં નહીં આવે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આજે અને આવતીકાલે: જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામો પર વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવશે. જયારે ૯ એપ્રિલે મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવશે.
સંગઠનના હોદ્દેદારોને ટિકીટ મુદ્દે પાર્ટીનો યુ-ટર્ન, હવે ટિકીટ આપશે
અગાઉ લેવામાં આવેલા એક મહત્વના નિર્ણયમાં પક્ષે ફેરફાર કર્યો છે. પહેલા એવું નક્કી કરાયું હતું કે પક્ષના હોદ્દેદારો ચૂંટણી લડી શકશે નહીં, પરંતુ હવે નવી જાહેરાત મુજબ પક્ષના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સંગઠનમાં સક્રિય એવા અનેક સ્થાનિક નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી છે.