ગાંધીનગર, તા.17
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આગમનને લઇ ભાજપા કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી છે, જ્યાં બુથનો સામાન્ય કાર્યકર્તા પણ સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે છે. તાજેતરમાં ભાજપાના શીર્ષ નેતૃત્વ દ્વારા યુવાવસ્થાથી જ સંગઠનમાં સક્રિય રહેલા, બિહાર પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષથી લઈને વિવિધ રાજ્યોના પ્રભારી અને બિહાર સરકારમાં મંત્રી તરીકે જવાબદારીઓ નિભાવનાર નીતિન નવીનને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 45 વર્ષની વયે તેઓ ભાજપાના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.
તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 20 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગ્યે તેઓ સરદાર પટેલ એરપોર્ટ પર આગમન કરશે, જ્યાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. તે જ દિવસે તેઓ અમદાવાદમાં સંસદસભ્યો અને ધારાસભ્યો સાથે સંવાદ કરશે તેમજ ગાંધીનગરમાં ‘બજેટ મીટ’ કાર્યક્રમમાં ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરશે.
21 ફેબ્રુઆરીએ સવારે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કરશે અને ત્યારબાદ લાલદરવાજા ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ કોબા સ્થિત ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે તથા સોશિયલ મીડિયા ટીમ સાથે માર્ગદર્શન બેઠક યોજશે. બપોરે તેઓ ગાંધીનગર સ્થિત GIFT City ખાતે ‘યંગ વોઇસ સમિટ’માં યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધિત કરશે અને સાંજે અમદાવાદના GMDC Hall ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
પ્રવાસના ત્રીજા દિવસે 22 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદના ખાડિયા ખાતે Narendra Modiના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળશે અને ત્યારબાદ દિલ્હી પરત જશે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યા બાદ નીતિન નવીનનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે અને ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ તેમના ઉત્સાહભેર સ્વાગત માટે આતુર છે. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.