ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના નેતા અને અંભેતા મંડળના ઉપપ્રમુખ ધરમ સિંહ કોરી (65)ની તેમના જ ઘરમાં રાતના 2 વાગ્યે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. સવારે જ્યારે પુત્રવધૂ ચા આપવા ગઈ ત્યારે ધરમ સિંહ ખાટલા પર લોહીથી લથપથ હાલતમાં મૃત મળી આવ્યા હતા.
આ બનાવ સહારનપુરના નાકુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડીડોલી ગામમાં થયો હતો. આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે વહેલી સવારે ધરમ સિંહ કોરીનો મૃતદેહ ઘરની પાછળના આંગણામાં ખાટલા પર પડેલો જોવા મળ્યો. પુત્રવધૂએ ચા આપવા જતાં જ લોહીથી લથપથ હાલત જોઈને ચીસો પાડી. અવાજ સાંભળી પરિવારના સભ્યો અને ગામના લોકો દોડી આવ્યા અને તરત જ પોલીસને જાણ કરી. થોડી જ વારમાં ગામમાં સોંકડો લોકો ભેગા થઈ ગયા અને શોકનું વાતાવરણ છવાઈ ગયું.
તપાસ અને પોલીસની કાર્યવાહી
માહિતી મળતાં જ નક્કુર પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ધરમ સિંહના કપાળમાં ખૂબ નજીકથી ગોળી વાગી હતી. જે દર્શાવે છે કે હત્યારો ખૂબ જ નજીક આવ્યો હતો. ફોરેન્સિક ટીમે ખાટલો, લોહીના નમૂના, માટી અને અન્ય પુરાવા કબજે કર્યા છે.
સ્થાનિક પોલીસ અધિક્ષક (દેહાત) સાગર જૈન પણ સ્થળ પર પહોંચ્યા અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ તપાસ ટીમો બનાવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને હત્યાનો હેતુ શોધવાની કોશિશ ચાલી રહી છે.
પરિવારે શું કહ્યું?
મૃતકના પુત્ર સુશીલ કોરી જે અંભેતા મંડળના મહાસચિવ છે. તેમણે જણાવ્યું કે “રાત્રે ગત રોજ 9 વાગ્યે પિતાને ચા આપવા ગયો હતો તે સમયે બધું સામાન્ય હતું. પિતાને કોઈ દુશ્મની નહોતી. તેઓ શાંત સ્વભાવના હતા,”
ધરમ સિંહ 2014માં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેઓ મંડલ ઉપપ્રમુખ પદ પર સક્રિય રીતે કાર્યરત રહ્યા.
ગામના લોકો અનુસાર રાત્રે 2 વાગ્યે લગ્ન પ્રસંગને કારણે ફટાકડાં ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે બે મોટા અવાજો સાંભળાયા હતા. જેને સૌએ ફટાકડાનો અવાજ માની લીધો. પરંતુ સવારે ધરમ સિંહનો મૃતદેહ ખાટલા પર મળતાં ગામમાં આંચકો લાગી ગયો.
હાલ પોલીસ હત્યાના કારણની તપાસમાં લાગી છે અને આરોપીઓને ઝડપવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.