Comments

મહારાષ્ટ્રમાં ભાજપનું કોંગ્રેસ અને ઓવૈસી સાથે ગઠબંધન!

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી થવામાં જ છે અને એ પહેલાં મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓમાં જે બન્યું છે એ ભાજપને ખટકે એવું છે અને વિપક્ષોને મુદો્ મળે એવું બન્યું છે. કેટલીક પાલિકાઓમાં કે પંચાયતોમાં ભાજપને બેઠકો ઓછી મળી ત્યાં સત્તા મેળવવા માટે ભાજપે કોંગ્રેસ જ નહીં ઓવૈસીના પક્ષ સાથે ગઠબંધન કર્યું છે. કદાચ ભાજપના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. કેટલાક દાખલા જોઈ જવા જેવા છે.

થાણેની અંબરનાથ નગર પરિષદમાં સત્તા મેળવવા માટે ભાજપે કોંગ્રેસ અને અજીત પવારની એનસીપી સાથે મળીને ‘અંબરનાથ વિકાસ આઘાડી’ બનાવી છે અને એનો હેતુ શું છે? આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને સત્તાથી દૂર રાખવાનો હતો, જે ત્યાં સૌથી મોટો પક્ષ બન્યો છે. ભાજપે હજુ આ મુદે્ કોઈ પગલાં લીધાં નથી પણ કોંગ્રેસે શિસ્તભંગ બદલ તેના તમામ 12 નગરસેવકોને સસ્પેન્ડ કરી દીધા છે.

બીજો કિસ્સો છે અકોલા જિલ્લાની અકોટ નગર પરિષદનો. ત્યાં તો ભાજપે હદ કરી નાખી છે. ભાજપે ઓવૈસીની પાર્ટી AIMIM ના નગરસેવકો સાથે મળીને ‘અકોટ વિકાસ મંચ’ બનાવ્યું છે. જે પક્ષો એકબીજાની વિચારધારાના કટ્ટર વિરોધી છે, તેમનું આ જોડાણ જોઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને ઘણાં લોકો ઓવૈસીને ભાજપની ટીમ બી ગણાવે છે. એમને માટે આ કિસ્સો મુદો્ બની ગયો છે.

આ ઘટનાઓ સામે આવ્યા બાદ ભાજપે પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ભાજપ ક્યારેય કોંગ્રેસ કે AIMIM સાથે ગઠબંધન કરી શકે નહીં. આ ગઠબંધન સ્થાનિક નેતાઓએ પક્ષની પરવાનગી વગર કર્યું હોવાથી તેને તાત્કાલિક તોડી નાખવાનો આદેશ આપ્યો છે. આવા જોડાણમાં સામેલ સ્થાનિક નેતાઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને વિરોધ પક્ષોને મુદો્ મળી ગયો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના આ મુદ્દે ભાજપ પર ‘બેવડાં ધોરણો’ રાખવાનો આક્ષેપ કરી રહી છે.

આ કિસ્સા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચે એ સ્વાભાવિક છે કારણ કે, અત્યાર સુધી ભાજપ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પર એવા આક્ષેપો કરતું આવ્યું છે કે તેઓ સત્તા માટે પોતાની વિચારધારા છોડી રહ્યા છે. હવે, વિરોધ પક્ષો (મહાવિકાસ આઘાડી) ભાજપને એ જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. ખાસ કરીને ‘હિન્દુત્વ’ અને ‘તુષ્ટિકરણ’ ના મુદ્દે ભાજપને ઘેરવાની તક વિરોધ પક્ષોને મળી ગઈ છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવાર વચ્ચે ‘મહાયુતિ’ ગઠબંધન છે પણ એમની વચ્ચે અનબન ચાલતી આવે છે. શિંદે જૂથના મંત્રીઓ ઘણી વાર કેબીનેટ બેઠકમાં ગેરહાજર રહે છે. કેટલીક પાલિકામાં શરદ પવાર અને અજીત પવારે હાથ પણ મિલાવ્યા છે. અંબરનાથમાં ભાજપે મુખ્યમંત્રી શિંદેની શિવસેનાને હરાવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. આનાથી શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.

કાર્યકર્તાઓ માટે અનેક મુશ્કેલી વધી છે. ભાજપના કાર્યકરો જેઓ વર્ષોથી કોંગ્રેસ અને AIMIM ની વિચારધારા સામે લડ્યા છે. તેઓ આ ગઠબંધનથી નારાજ થઈ શકે છે અને એની અસર મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પર થઇ શકે છે. જો ભાજપ આ ગઠબંધન તાત્કાલિક નહીં તોડે તો આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં તેમને નુકસાન વેઠવું પડી શકે છે. તેથી જ દેવેન્દ્ર ફડણવીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે જેથી રાજ્ય સ્તરે પક્ષની છબીને નુકસાન ન થાય.

ભાજપ ઈતિહાસ ભૂલી જાય છે. આઝાદી પહેલાં ૧૯૪૧માં બંગાળમાં હિન્દુ મહાસભા (જેના નેતા શ્યામાપ્રસાદ મુખર્જી હતા) અને કૃષક પ્રજા પાર્ટી (જેના નેતા એ.કે. ફઝલુલ હક હતા) વચ્ચે જોડાણ થયું હતું. ફઝલુલ હકે મુસ્લિમ લીગ સાથે છેડો ફાડ્યા પછી ‘પ્રોગ્રેસિવ કોએલિશન પાર્ટી’ બનાવી હતી. આ ગઠબંધનને ‘શ્યામા-હક મંત્રાલય’ તરીકે ઓળખવામાં આવે છે, જેણે ડિસેમ્બર 1941થી માર્ચ 1943 સુધી બંગાળમાં શાસન કર્યું હતું.

અલબત્ત તે સમયે બંગાળમાં મુસ્લિમ લીગનો પ્રભાવ વધી રહ્યો હતો. હિન્દુ મહાસભા અને ફઝલુલ હક બંને લીગની સાંપ્રદાયિક રાજનીતિને રોકવા માંગતા હતા. રાજકોટમાં એક નગરસેવકે પક્ષપલટો કર્યો ને ભાજપના ચીમનભાઈ શુક્લે ઉપવાસ કર્યા હતા અને ભાજપને સફળતા મળી હતી એ વાત હવે ભુલાઈ ગઈ હોય એમ લાગે છે. રાજકારણમાં એક જૂની કહેવત છે – ‘‘રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતાં નથી, માત્ર કાયમી હિતો હોય છે.’’ બંગાળનો ઇતિહાસ અને અત્યારનું મહારાષ્ટ્રનું રાજકારણ આ વાતની સાબિતી આપે છે.

સોનમ વાંગચુક જેલ બહાર આવશે?
લદ્દાખનું આંદોલન યાદ છે, સોનમ વાંગચુક યાદ છે? સપ્ટેમ્બર 2025માં લદ્દાખમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમની ધરપકડને 100 થી વધુ દિવસો વીતી ગયા છે. સોનમ વાંગચુકની ધરપકડને ગેરકાયદે ગણાવીને તેમનાં પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી છે કે ધરપકડનાં કારણો જણાવવામાં વિલંબ થયો છે અને આ ધરપકડ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે અને સોનમ વાંગચુક અને લદ્દાખનાં લોકોની માગણી શું છે, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો.

બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ લદ્દાખનો સમાવેશ કરવો, જેથી ત્યાંની જમીન અને સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે. અલબત્ત, સપ્ટેમ્બર 2024 માં લેહમાં પ્રદર્શનો હિંસક બન્યાં હતાં, જેમાં ભાજપના કાર્યાલયને નુકસાન થયું હતું અને કથિત રીતે પોલીસ ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. સરકારે આ હિંસા માટે વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે, જ્યારે વાંગચુકે હિંસાની નિંદા કરી હતી. એટલે સોનમ વાંગચુકનો વાંક શું છે એવું એમના વકીલ પૂછે તો વાત વાજબી છે. હવે કોર્ટ શું ફેંસલો કરે છે એના પર મીટ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top