ગાંધીનગર : ગુજરાતની રાજનીતિમાં ઉમરેઠ વિધાનસભા બેઠક હવે ‘હોટસીટ’ બની ગઈ છે. ભાજપના ધારાસભ્ય સ્વ. ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઉકળવા લાગ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 23 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે, આગામી તા.30 મી માર્ચના રોજ પેટા ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થશે, તે પછી તા.6ઠ્ઠી એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે.આ સાથે જ ઉમરેઠમાં રાજકીય ઘમાસાણે જોર પકડી લીધું છે.
ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઈ છે. છેલ્લા બે ટર્મથી આ સીટ ભાજપ પાસે હોવાને કારણે જીત જાળવી રાખવી પાર્ટી માટે અનિવાર્ય બની છે. પરંતુ બહારના વિરોધીઓ પહેલાં પાર્ટી અંદર જ ટિકિટ માટે ભારે ખેંચતાણ શરૂ થઈ છે. સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર સૌથી મજબૂત દાવેદાર ગણાઈ રહ્યા છે, પરંતુ બળવંતસિંહ પરમાર, સુનિલસિંહ સોલંકી, જયંત બોસ્કી, ભૂષણ ભટ્ટ અને મિલનસિંહ વડોદિયા જેવા નેતાઓ પણ મેદાનમાં ઉતરવા આતુર છે. આવી સ્થિતિમાં ‘એક ટિકિટ, અનેક દાવેદાર’ની પરિસ્થિતિ ભાજપ માટે માથાનો દુખાવો બની છે.
બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે જોરદાર વાપસીના મૂડમાં છે. પાર્ટી મહિલા ઉમેદવાર ઉતારવાની રણનીતિ પર કામ કરી રહી છે, જેથી સામાજિક સમીકરણો સાથે સહાનુભૂતિની લહેર ઉભી કરી શકાય. સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં કૂદવાની તૈયારીમાં છે, જે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવે છે. એનસીપીના જયંત પટેલ બોસ્કીએ પણ પોતે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આથી હવે ઉમરેઠમાં સીધી લડત નહીં પરંતુ ત્રિકોણીય કે ચતુષ્કોણીય જંગ સર્જાવાની પૂરી શક્યતા ઉભી થઈ છે.
મતદારોના ગણિતની વાત કરીએ તો અહીં પટેલ, ઓબીસી, ખેડાવળ બ્રાહ્મણ, વૈષ્ણવ અને મુસ્લિમ મતદારોનું મિશ્રણ ચૂંટણીનું પરિણામ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના પરિવારનો પણ આ વિસ્તારમાં સારો પ્રભાવ માનવામાં આવે છે, જે કોંગ્રેસ માટે પ્લસ પોઇન્ટ બની શકે છે.
ઉમરેઠ બેઠકનો રાજકીય ઈતિહાસ પણ ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો છે.
1970ના દાયકાથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, પરંતુ 2002 બાદ ભાજપે અહીં મજબૂત પકડ બનાવી છે. 2012માં એનસીપીના જયંત પટેલ બોસ્કીએ જીત મેળવી હતી, જ્યારે 2017 અને 2022માં ભાજપના ગોવિંદ પરમારે જીતનો ઝંડો લહેરાવ્યો હતો. છેલ્લી ચૂંટણીમાં તેમણે 26,717 મતોના અંતરથી વિજય મેળવ્યો હતો.વિસાવદર અને કડી જેવી તાજેતરની પેટાચૂંટણીઓમાં મળેલા મિશ્ર પરિણામોને ધ્યાનમાં લેતા ઉમરેઠની આ જંગ વધુ જ રસપ્રદ બની છે. નજીકમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પહેલાં આ પેટાચૂંટણી પક્ષો માટે ‘મૂડ ટેસ્ટ’ સાબિત થવાની છે.
સ્થાનિક મુદ્દાઓ પણ આ વખતે ચૂંટણીમાં ગરમી ઉમેરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે જમીનના વધતા ભાવો સ્થાનિક રાજકારણમાં કેન્દ્રસ્થાને આવી રહ્યા છે. મતદારો હવે માત્ર વચનો નહીં, પરંતુ વિકાસના સ્પષ્ટ પરિણામો માંગે છે. આ રીતે ઉમરેઠ પેટાચૂંટણી હવે માત્ર એક બેઠક માટેની લડત નથી, પરંતુ ગુજરાતની રાજકીય દિશા નક્કી કરનાર ‘મિની બેટલ’ બની ગઈ છે. ઉમેદવારોની અંતિમ જાહેરાત બાદ આ જંગ વધુ તીવ્ર બનવાની પૂરી શક્યતા છે — અને કોણ મારશે બાજી તે જાણવા હવે સૌની નજર ઉમરેઠની પેટા ચૂંટણી પર ટકી છે.