મહેસાણા: મહેસાણા (Mehsana) ના ભાજપ (BJP) નાં કોર્પોરેટર (Corporator) એ પત્નીને ત્રિપલ તલાક (Triple Talaq) આપતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પત્નીએ પતિ, સાસુ, નણંદ અને પતિ સાથે સંબધ રાખનાર મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેટરની પત્નીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ મથકમાં અનેક અરજીઓ કરી હતી. આ અરજીમાં પત્ની તેમજ સાસરીયા પક્ષ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સાસરિયાઓએ મને હેરાન કરી છે: કોર્પોરેટરનાં પત્ની
આ કોર્પોરેટરનું નામ છે સલીમ નૂર મોહમ્મદ વોરા. સલીમ વોર્ડ નં. 10નાં કોર્પોરેટર છે. સલીમની પત્ની સિદ્દીકબાને ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, “મારા પતિએ મને એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મૌખિક રીતે ત્રણ તલાક આપ્યા હતા. જેનું તેઓએ મોબાઈલમાં રેકોર્ડ પણ કર્યું હતું. તેણે બંને પક્ષના પરિવાર અને સંબંધીઓમાં આ વાતની જાહેરાત કરતો પત્ર પણ ફરતો કર્યો હતો. જો કે તેઓને મારા સાસરિયાઓએ સાથ આપ્યો અને મને હેરાન કરી હતી. જેથી હું મારા પતિનું ઘર છોડીને જતી રહી.
વર્ષ 2000માં કર્યા હતા લગ્ન
કોર્પોરેટર સલીમનાં પત્નીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં તેઓએ મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક અને ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછી અડધો ડઝન જેટલી અરજીઓ દાખલ કરી છે, જેમાં તેમાં તેઓએ પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ અને માનસિક ત્રાસની ફરિયાદ કરવામાં આવી છે. સિદ્દીકીબાને 2000માં સલીમ વોહરા સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે. તેમની મોટી પુત્રી ઇલ્સા 21 વર્ષની છે, જ્યારે પુત્રનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. 22 વર્ષના દામ્પત્ય જીવન દરમિયાન સલીમે તેના સાળા પાસેથી ઘણી વખત પૈસા લીધા છે.
પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાનો આક્ષેપ
મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વોહરા નીચલી કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, જ્યાં તેની રેશ્માબેન ચૌહાણ નામની સહાયક છે, જેની સાથે તેના પતિનું અફેર છે. પત્નીએ જણાવ્યા હતું કે, રેશ્માએ એકવાર તેને ફોન પર ધમકી આપી હતી કે તેઓ બંને મળીને મને ખોટા કેસમાં ફસાવશે અને જેલમાં મોકલશે. એમ કહી સલીમને છૂટાછેડા આપવા દબાણ કર્યું હતું.