અમદાવાદ: ભાજપ સરકારની (BJP) નીતિ હંમેશા અમીરો માટે રહી છે. સામાન્ય લોકોને મોંઘવારીના મારથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોષિત, પીડિત અને ગરીબો સૌથી વધુ ભાજપ સરકારની નીતિઓથી પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સૌ કોઈની જવાબદારી બને છે કે, દેશની જનતાને મોંઘવારીના મારથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસીજનોએ સંગઠિત થઈ લડાઈ લડવી પડશે, તેવું શુક્રવારે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ.રઘુ શર્માએ જણાવ્યું હતું.
અમદાવાદમાં પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિના નવનિયુક્ત અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડિયાના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા ડૉ. રઘુ શર્માએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકારની અમીરો માટેની નીતિને પરિણામે ગરીબ અને સામાન્ય વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે, ત્યારે સામાન્ય ગરીબ વર્ગને મોંઘવારીના મારમાંથી મુક્ત કરાવવા માટે દરેક કોંગ્રેસજને એકજૂટ થઇ લડાઈ લડવી પડશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ યુવાનના હાથમાં જવાબદારી સોંપી છે. કોરોના મહામારીમાં જે રીતે ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી અને અણઘડ આયોજનથી ગુજરાત અને ગુજરાતીઓએ મોટાપાયે સહન કરવુ પડ્યું. જે સરકાર સારવારના આપે, જે સરકાર સન્માન સાથે અગ્નિ સંસ્કારનો અધિકાર છીનવી લે તે સરકારને સુપ્રિમકોર્ટ ફટકાર લગાડે ત્યારે તેમને નાગરિકો યાદ આવે છે. ગુજરાતમાં શોષિત, પીડીત, ગરીબ, સામાન્ય, નાગરિકોના હક્ક અને અધિકારની લડત માટે સંગઠિત થઈને લડત આપવાનો સમય પાકી ગયો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતના ગામેગામ અને શહેરોમાં કોંગ્રેસપક્ષ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુની સાથે સાથે બહુજન મહાપુરુષોની વિચારધારાનો પ્રચાર – પ્રસાર કરી કટ્ટરવાદી આર.એસ.એસ અને ભાજપની વંચિત – શોષિત – પીડીત વિરોધી નિતિઓને ઉજાગર કરી લોકો સમક્ષ સાચી હકિકત રજુ કરીશું. મંદી – મોંઘવારી – મહામારી સહિતના આરોગ્ય સેવા, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દે કોંગ્રેસ પક્ષ આક્રમક કાર્યક્રમ થકી જનસંપર્ક કરી ભાજપ સરકારને આવનાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ ચખાડશે.