અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મહાઠગ કિરણ પટેલના (Kiran Patel) અનેક ભાજપના (BJP) નેતાઓ, મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતમ સંબંધો હોવાનું સોશિયલ મીડિયાના એકાઉન્ટ (Social Media Account) પરથી સ્પષ્ટ થાય છે, તો કિરણ પટેલ સાથે ભાજપના નેતાઓની નિકટતા અને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટીની ગોઠવણ કોણે કરી આપી તેની તપાસ કરવામાં આવે, તેવી માગણી પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ કરી છે.
ડૉ. મનીષ દોષીએ વધુમાં કહ્યું હતું કે ઠગ કિરણ પટેલના અનેક ભાજપના નેતાઓ અને મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ખૂબ જ નિકટના સંબંધો હોવાના ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં જોવા મળે છે. આ સાથે જ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત લેવી તે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ચૂક ગણી શકાય. તેવા સંજોગોમાં કિરણ પટેલને ઝેડ પ્લસ સિક્યુરિટી કોણે ગોઠવણ કરી આપી, તેની તપાસ થવી જરૂરી છે.
ગૃહરાજ્યમંત્રી એવું કહી રહ્યાં છે કે કિરણ પટેલને અમારી સરકારે પકડ્યા છે અને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે આ સવાલો અંગે પણ સ્પષ્ટતા કરો
- ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં વર્ષો જુના અધિકારી કિરણ પટેલને શું શું વ્યવસ્થામાં મદદ કરતા હતા ?
- મુખ્યમંત્રી કાર્યાલયના પી.આર.ઓ. ના પુત્ર જે ભાજપાના પદાધિકારી અને કિરણ પટેલ કઈ પ્રકારની વ્યવસ્થામાં જોડાયેલા હતા?
- મુખ્યમંત્રી કાર્યાલયના પી.આર.ઓ.ના પુત્ર જે ટેકનોલોજી કંપની – સી.સી.ટી.વી. માટે કેટલા કરોડના ગુજરાત સરકારના કામોના લાભાર્થી હતા ?
- મુખ્યમંત્રી કાર્યાલયના પી.આર.ઓ.ના રાજીનામાં એ આગળની તપાસ ના થાય તે માટેની ગોઠવણ છે કે પછી અનેક પ્રકારની ગોઠવણો ખુલ્લી ના પાડે તે માટેનો સેઈફ ગેટ આપવામાં આવ્યો છે ?
- ઉચ્ચ પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓને બચાવવા માટે કે પછી કિરણ પટેલના વિશેષ સંબંધો જાહેરના થાય તે માટે હજુ સુધી કેમ ગંભીર કલમો લગાવવામાં આવી નથી ? તે પાછળનો તર્ક શું છે ?
- કેમ આરોપી કિરણ પટેલને આધિકારીઓ કે સુરક્ષા વિભાગ ઓળખી ન શક્યા ?
- પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ કિરણ પટેલના ઝાંસામાં કેમ આવી ગયા કે પછી કોઈ ગોઠવણ હતી?
- ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છતાં કેમ ઠગબાજની ઓળખ ન થઈ ? જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સુરક્ષા ચૂક કેમ ? આરોપી બોર્ડર સુધી પોલીસ રક્ષણમાં ફર્યો છતાં કેમ કોઈને ગંધ ન આવી?
- ઠગ કિરણ પટેલની રાષ્ટ્ર પ્રથમ સંસ્થા દ્વારા G-20 ની બેઠકના આયોજન માટે ઉચ્ચ અધિકારીઓની ફોટા સાથેની આમંત્રણ પત્રિકા માટે કેન્દ્ર સરકાર, પ્રધાનમંત્રીનું કાર્યાલય, વિદેશ મંત્રાલય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મંજુરી આપવામાં આવી હતી ?