અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓને (Election) હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે (BJP) આજે ફરી એક વખત ૨૦૨૨ની ચૂંટણીમાં 2૦૧૭ની જેમ ભાજપે વાયદા અને વચનોની ભરમાર આપી છે. તેમના ૨૦૧૭ના સંકલ્પ પત્રના ૭૦ ટકા વાયદાઓ પૂરા નથી થયા. તે બાબતે માફી પત્ર નિકાળવાના બદલે જે પ્રમાણે જુઠ્ઠાણાની ભરમાઈ ૨૦૨૨ના ભાજપના સંકલ્પ પત્રમાં દેખાઈ રહી છે, માટે આ સંકલ્પ પત્ર નથી પરંતુ દગા પત્ર છે, તેવું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ ભાજપના સંકલ્પપત્ર ૨૦૨૨ પર ચર્ચા કરતા કહ્યું હતુ કે ભાજપની સરકારે ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારે ગુજરાતનું દેવુ માત્ર ૧૦ હજાર કરોડ હતું જે આજે ૪ લાખ કરોડ આંબી ગયું છે. તેમના ૮૦ પાનાના સંકલ્પ પત્રમાં જે પ્રમાણે કોઈ નક્કર વચનો આપવામાં આવ્યા નથી અને માત્ર આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે. શું આ સંકલ્પ પત્ર છે કે બજેટની ઉઠાવાયેલી કોપી તેનો પ્રશ્ન ગુજરાતની જનતા કરી રહી છે.
ભાજપે તેના ૨૦૨૨ના સંકલ્પ પત્રમાં ગુજરાતને ડ્રગ્સ અને નશાખોરીથી મુક્તિ માટે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદા માટે, ૨૨ પેપર ફુટ્યા તે આગળથી ના ફુટે તેના માટે કોઈ જ પ્રકારની વાતો રજૂ કરવામાં નથી આવી. મોંઘવારીનો ‘મ’ પણ આ સંકલ્પ પત્રમાં નથી સાથે સાથે મોરબીનો ‘મ’ પણ વંચાણમાં નથી આવ્યો. સંકલ્પ પત્રમાં ૧૯ નવી યુનિવર્સિટી બનાવવાની વાતો કરવામાં આવી પરંતુ ગત વર્ષોમાં એકપણ નવી સરકારી યુનિવર્સિટી બનાવામાં નથી આવી. તે જ પ્રમાણે ૨૭ વર્ષના શાસનમાં એકપણ નવી સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં નથી આવી. સ્વાસ્થ્ય અને આરોગ્ય બાબતે કોરોનાની મહામારી દરમ્યાન જે પણ આરોગ્ય સેવાઓને અસર થઈ હતી તેને સુધારવા બાબતે, કોરોનાના મૃતકોને ૪ લાખના વળતર આપવા બાબતે અને નિઃશુલ્ક દવા આપવાની વાત પણ કરવામાં આવી નથી. હાઈકોર્ટના કોરોના સંદર્ભે કરેલા વળતરના આદેશોને પણ ભાજપની સરકારે નજર અંદાજ કર્યા છે.
ભાજપના ૨૦૧૭ના સંકલ્પ પત્રમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, આવક બમણી તો ના થઈ પરંતુ ખેડૂતોને મોંઘુ બિયારણ, સબસિડીની ઓછી રકમ અને ટેકાના ભાવોમાં ઉત્પાદનખર્ચ પણ ન નીકળી શકે તેવો બોજો પડ્યો અને ખર્ચ બમણો થઈ ગયો, વિના મૂલ્યે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા આપવાની વાત હતી, આંતરરાષ્ટ્રીયસ્તરની યુનિવર્સિટી બનાવવાની વાત હતી, બંધ પડેલી સહકારી સંસ્થાઓને પુનઃ જીવીત કરવાની વાત હતી, જેમાં સરકારી હસ્તક્ષેપ વધારી દેવામાં આવ્યો છે. આદિવાસીઓને જમીન માલિકીનો હક્ક આપવાની વાત હતી, વિચરતી વિમુક્ત જાતિના લોકોને પાકું મકાન આપવાની વાત હતી, ઠાકોર કોળી વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરવાની વાત હતી, જીલ્લા આદિવાસી કલ્યાણ બોર્ડ બનાવવાની વાત હતી, રજીસ્ટ્રર્ડ આદિવાસી સમિતિ બનાવવાની વાત હતી, વેક્ટર બોર્ન રોગમુક્ત ગુજરાતની વાત હતી, મોબાઈલ ક્લિનિકની શરૂ કરવાની વાત હતી પરંતુ આમાંના એકપણ વચનો ભાજપ સરકાર દ્વારા પુરા કરવામાં નથી આવ્યા અને ૨૦૧૭ના સંકલ્પ પત્રના ૫૦ ટકા મુદ્દાઓ ફરીથી ૨૦૨૨ના સંકલ્પ પત્રમાં કોપી મારી દેવામાં આવ્યાં છે. ભાજપ ગુજરાતની જનતાને નાસમજ ના સમજે કારણ કે જનતા પણ હવે બધુ જાણી ગઈ છે.