ગાંધીનગર: આઝાદી પછી દેશમાં ટાંકણી પણ બનતી ન હતી, ત્યારે કોંગ્રેસ (Congress) સરકારે દેશમાં અવિરત વિકાસ કર્યો અને ભારતને (India) વિશ્વના નકશા ઉપર અંકિત કર્યું હતું. કોંગ્રેસના (Congress) શાસનકાળ દરમિયાન નાગરિકોને તેમના અધિકારો આપ્યા હતા, જ્યારે વર્તમાન ભાજપ (BJP) સરકારે નાગરિકોના હક છીનવવાનું કામ કર્યું છે. દેશમાં કોંગ્રેસનું કામ બોલે છે, જ્યારે ભાજપમાં 107 વાળાના કારસ્તાન બોલે છે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં આલોક શર્માએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું.
યુ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. ભારત દેશના નાગરિકને સુચનાનો અધિકાર (આર.ટી.આઈ.) આપવામાં આવ્યો કે જેના કારણે આજે દરેક નાગરિક પોતે કોઈપણ માહિતી મેળવી શકે છે. મનરેગા દ્વારા રોજગારનો અધિકાર આપવામાં આવ્યો, ભણતરનો અધિકાર આપવામાં આવ્યો, અન્નનો અધિકાર (રાઈટ ટુ ફુડ) માટે રાજ્ય સભામાં કાયદો પાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આઈ.આઈ.ટી. અને એમ્સ બનાવ્યાં, જાહેર સાહસોની કંપનીઓ બનાવવામાં આવી અને ભાજપે ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા આ કંપનીઓને કોડીઓના દામથી પોતાના ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી રહી છે.