અમદાવાદ: ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી ભાજપે (BJP) લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી (Adani) અને મોદી (Modi) સરકાર વિરુધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી ? તપાસ સોંપતી નથી ? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે તો પણ ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે એ રીતે ભાજપ અને મોદી સરકાર ખોટા નિવેદનો અને ભ્રામક જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેવું અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કક્ષાના “જય ભારત સત્યાગ્રહ”નાં કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે મિત્રકાળમાં અદાણી સ્કેમ અંગે સતત સત્યની લડાઈ લડતા રાહુલ ગાંધી પ્રત્યે કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગુજરાત અને દેશનાં નાગરિકો વ્યાપક પણે પરેશાન છે. ત્યારે ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન ભટકાવવા નાટકો કરી રહી છે. કોંગ્રેસ દ્વારા ‘જય ભારત સત્યાગ્રહ’ અન્વયે ગુજરાતના ૧૭૫ તાલુકામાં કાર્યક્રમ યોજાયા હતા. તા. ૧૫મી એપ્રિલથી જિલ્લા સ્તરીય શરૂ કરવામાં આવેલા ‘જય ભારત સત્યાગ્રહ’ આગામી ૩૦ એપ્રિલ સુધીમાં ૨૬ જિલ્લામાં યોજાશે.
જગદીશ ઠાકરે કહ્યું હતુ કે ૩૫ વર્ષમાં સૌથી ઉંચો મોંઘવારી દર અને ૪૫ વર્ષનો સૌથી ઉંચો બેરોજગારી દર ભાજપ સરકારમાં જોવા મળી રહ્યો છે. દેશના ગરીબ- સામાન્ય- મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. મોદી સરકારની નિતિઓને લીધે અસમાનતામાં સતત વધારો થતો જાય છે. ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારી દર માંથી ભારત દેશ પસાર થઈ રહ્યું છે. મોંઘવારી-બેરોજગારી કુદકે-ભૂસકે વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં રૂ. ૪૧૦નો ગેસ સીલીન્ડર આજે કેન્દ્રની ભાજપ સરકારમાં રૂ. ૧૧૦૦ ને પાર કરી ગયો છે. દેશના યુવાનોને દર વર્ષે બે કરોડ રોજગારીનો વાયદો કરનાર મોદી સરકારે ૯ વર્ષમાં ૧૮ કરોડ રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. બીજીબાજુ દેશના યુવાનોના હાથમાંથી ૧૦ કરોડ થી વધુ રોજગાર છીનવી લીધા છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે, જનતાની આવક સતત ઘટતી જાય છે. બીજીબાજુ બેકાબૂ મોંઘવારીને લીધે ખર્ચમાં સતત વધારો થવાથી આર્થિક હાડમારીમાં લાખો પરિવારો માટે જીવન જીવવુ મુશ્કેલ બની રહ્યું છે.