Gujarat

યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ, મહામંત્રી વિનયસિંહ સહિત અગ્રણીઓ ભાજપમાં જોડાયા

ગાંધીનગર : ગુજરાત (Gujarat) યુવા કોંગ્રેસના (Congress) પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા તથા યુવા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિનયસિંહ તોમર, નિકુલ મિસ્ત્રી, એનએસયુઆઈના ઉપપ્રમુખ પાર્થ દેસાઈ, અખીલ બાવરી સમાજના પ્રમુખ માલારામ બાવરી તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મંગળવારે ભાજપમાં (BJP) જોડાઈ ગયા હતા .પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તથા ડૉ. ઋત્વિજ પટેલે કોંગ્રેસમાંથી આવેલા આ બે યુવા અગ્રણીઓને કેસરિયો ખેસ પહેરાવીને તેમને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કહયું હતું કે કોંગ્રેસની નેતાગીરી પદ વેચી રહી છે.

યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ તેમજ ભાજપના છેવાડાના કાર્યકરોને ગુજરાતના વિકાસ માટે કામ કરતા જોયા છે તેમનાથી પ્રેરાઇ આજે ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ દ્વારા દેશને આઝાદી અપાવવા જે નેતાઓએ બલિદાન આપ્યું હતું તેવા નેતાઓને અભરાઈએ મુકી દીધા. હવે કોંગ્રેસ પાર્ટી ઘણી બદલાઇ ગઇ છે. પ્રજામાં કોંગ્રેસની છબી દિવસેને દિવસે બગડતી જાય છે અને કોઇ કાર્યકર પ્રજા વચ્ચે જાય તો કોંગ્રેસ પાર્ટીની છબીને કારણે અમારે પણ ઘણુ સાંભળવું પડતું હતું.

યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પાર્ટીને બદલવાનું કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કામ કરવા દેવામાં આવતું નહીં તે બતાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે કહ્યુ હતું કે ભાજપના ભુક્કા કાઢી નાખાવાના છીયે પરંતુ આજે તો કોંગ્રેસ પાર્ટીના જ ભુક્કા નીકળી રહ્યા છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પુત્ર સિદ્ધાર્થ શર્માને મોટુ પદ આપવા માટે આખુ ષડયંત્ર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલતું હતું. રઘુ શર્માના પુત્ર પ્રેમના કારણે આખી ગુજરાત યુથ કોંગ્રેસને સાઇડમાં મુકવામાં આવી છે.

વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઇન્ચાર્જ રધુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત છે. કોંગ્રેસ પાર્ટીએ કયારેય છેવાડાના માનવી માટે કામ કરવાનો પ્રયાસ કર્યો નથી. આવનાર સમયમાં યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરીશું. પાર્ટીના યુવા કાર્યકરો કે જેમને દેશ માટે અને રાજય માટે કામ કરવા માંગતા હોય તેવા યુવા કાર્યકરોને કોંગ્રેસ પાર્ટી કોઇ દિશા આપતી જ નથી. કોંગ્રેસ પાર્ટી પદ વહેંચે છે. મેમ્બરશીપના બહાને રૂપિયા ઉઘરાવી રહી છે તેની સામે અમારો વિરોધ હતો. આવનાર દિવસમાં પ્રદેશ ભાજપની નેતાગીરી જે કામ સોંપશે તેને નિષ્ઠાપુર્વક કરીશું.

કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિનય તોમરે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો. અમારા પરિવારની ત્રણ પેઢી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી. આજે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાળી ભાજપમાં જોડાયો છું. કોંગ્રસમાં જૂથવાદ અને પુત્ર પ્રેમ ચાલી રહ્યો છે. પાર્ટીમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે. અત્યારથી જ તેમના પુત્રનું ભવિષ્ય નક્કી કરી રાખ્યું છે કે કોણ કયાથી ચૂંટણી લડશે અને કોને કયો હોદ્દો મળશે. તેના કારણે યુવા કાર્યકરો પાર્ટીથી નારાજ છે.

Most Popular

To Top