વલસાડ, ધરમપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી (LOCAL BODY ELECTION) અંતર્ગત બુધવારે મોડી સાંજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકાની 158 તાલુકા સભ્ય, ઉમરગામ પાલિકા અને ધરમપુર પાલિકાની એક વોર્ડની પેટા ચૂંટણીનાં 225 ઉમેદવારોનાં નામ જાહેર (NAME ANNOUNCEMENT) કર્યાં હતાં. જેના પગલે કહીં ગમ કહીં ખુશી જેવો માહોલ સર્જાયો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બનાવાયેલી ફોર્મ્યુલા મુજબ 80 ટકા ઉમેદવારો (80 % NEW CANDIDATES ) જિલ્લા અને તાલુકામાં પ્રથમવાર ઉમેદવારી કરી રહ્યા છે.
જિલ્લા ભાજપે (DISTRICT BJP) શિક્ષિત અને નિર્વિવાદ ઉમેદવારોની પસંદગી કરી હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું છે. નોંધનીય છેકે જિલ્લા પંચાયત બેઠકોમાં ગત ટર્મના ઉમેદવારો પૈકી સૌથી વધુ 4 ઉમેદવાર કપરાડા તાલુકામાં રિપીટ કરાયા છે. જો કે, અગાઉના માજી જિલ્લા પંચાયત પ્રમુખ જીતુભાઇ ટંડેલ, ધરમપુર તાલુકામાં બારોલીયા જિ.પં.બેઠકના માજી સભ્ય મીનાબેન ચૌધરી કપાયાં છે. વલસાડ તાલુકામાં સૌથી ચર્ચાસ્પદ બેઠક પારડી સાંઢપોરની જિલ્લા પંચાયત બેઠક ઉપર વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રવીણભાઈની પત્ની રંજનબેનને ટિકિટ અપાઈ છે.
કોણ કોણ રિપિટ થયું
કપરાડા તાલુકામાં ફરી રિપીટ (REPEAT) કરાયેલા જિલ્લા પંચાયત સભ્યોમાં નાનાપોંઢા બેઠક ઉપર માજી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષ અને માજી તા.ભાજપ પ્રમુખ ગુલાબ રાઉત, વાવર જિ.પં.સીટ ઉપર માજી જિ.પં.સભ્ય પરેશ ભાઈ પવાર, વારોલી બેઠક ઉપર માજી જિ.પં.સભ્ય દક્ષાબેન ચંદર ભાઈ ગાયકવાડ, ભારે વિરોધ છતાં કરચોન્ડ જિ.પં. બેઠક ઉપર માજી જિ.પં.સભ્ય ભગવાનભાઈ બાતરીનો સમાવેશ થાય છે. જ્યારે મહત્ત્વની મોટાપોંઢા બેઠક ઉપર યુવા આગેવાન અને મોટાપોંઢા કોલેજ હાઈસ્કૂલ મંડળ પ્રમુખ કેતન પટેલને જિ.પં.બેઠક ઉપર ટિકિટ ફાળવાઈ છે. જ્યારે ધરમપુર તાલુકામાં મોટી કોરવડ જિલ્લા પંચાયત બેઠક ઉપર જિ.પં.ના શિક્ષણ સમિતિનાં માજી અધ્યક્ષ નિર્મલાબેન જાદવને પણ ફરી રિપિટ કરાયાં છે.
નારાજગી ક્ષણિક છે, કાર્યકરોને મનાવી લઈશું: હેમંત કંસારા
જિલ્લા ભાજપ પ્રમુખ (BJP DISTRICT PRESIDENT) હેમંત કંસારાએ પત્રકારોને જણાવ્યું કે સ્થાનિક સમાજનાં સમીકરણો, પક્ષને વફાદાર કાર્યકરો, જૂના કાર્યકરો અને યુવાન શિક્ષિત ઉમેદવારોને ટિકિટમાં પ્રાધાન્ય અપાયું છે. તેમણે ઉમેર્યું કે, ત્રણ ટર્મથી કોંગ્રેસના કબજામાં રહેલી ધરમપુર તા.પં. આ ચૂંટણીમાં ભારે બહુમતીથી ભાજપ કબજે કરશે. કેટલીક બેઠકો ઉપર વિરોધ અંગે જણાવ્યું કે, નારાજગી ક્ષણિક હોય છે, અને અમારા જ કાર્યકરો છે, અમે ડેમેજ કન્ટ્રોલ સમિતિ બનાવી છે. અમે મનાવી લઈશું.