National

ભાજપાએ સંગઠનના મંત્રીઓની મોટી બેઠક બોલાવી, આ મુદ્દાઓ ઉપર થશે ચર્ચા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) સૌથી મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક આજે તારીખ 25 જુલાઇ અને આવતીકાલે 26 જુલાઇ સુધી એટલે કે બે દિવસ ચાલશે. જેમાં ભાજપના સંગઠન મંત્રીઓ દિલ્હીના (Delhi) મુખ્ય કાર્યાલય પર મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે.

બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં માત્ર લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા જ નહીં પરંતુ આગામી ચૂંટણી અને પેટાચૂંટણી માટે રણનીતિ બનાવવાની પણ શક્યતા છે. આ ઉપરાંત ભાજપ પ્રમુખ પદ માટે સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.

આ બેઠકમાં ત્રણ રાજ્યો કે જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં ચૂંટણીની વ્યુહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાની છે. આ બેઠકમાં ત્રણેય રાજ્યોના ભાજપના નેતાઓ ભાગ લેવાના છે અને આ નેતાઓ દ્વારા પાર્ટીની એકજૂથતાના પ્રયાસો પણ કરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પણ બેઠક યોજાય તેવી શક્યતા છે.

આ પહેલા ગઇકાલે બુધવારે ભાજપના નવા અધ્યક્ષને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓની લાંબી બેઠક થઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર હતા.

ભાજપના નવા અધ્યક્ષ કોણ બનશે?
મોદી સરકારની કેબિનેટમાં હાલ જેપી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જેપી નડ્ડાનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે હવે નડ્ડા પછી ભાજપ અધ્યક્ષ કોણ બનશે? તેમજ રાષ્ટ્રપતિ પદ માટે મોદી-શાહની પસંદગી કોણ રહેશે? શું ભાજપ પછાત નેતા પર દાવ લગાવશે? ત્યારે આજની બેઠકમાં આ તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.

યુપીમાં પણ નવા પ્રમુખ
બીજી તરફ માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપી અધ્યક્ષ બદલાઈ શકે છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય નેતૃત્વએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરી અને પ્રતિક્રિયા લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુપી ભાજપના નવા અધ્યક્ષ પછાત સમુદાયમાંથી હશે. ત્યારે કેશવ પ્રસાદ મૌર્યને યુપી ભાજપના નવા અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top