નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (LokSabha elections) બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષના અંતમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની (Assembly) ચૂંટણી છે. ત્યારે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર માટે રાજ્ય ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો મજુબ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માંથી મહારાષ્ટ્રમાં ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને રાજ્ય ચૂંટણી પ્રભારી અને બિપ્લબ દેબને રાજ્ય ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની જવાબદારી જી કિશન રેડ્ડીને આપવામાં આવી છે.
કોંગ્રેસે આ ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
સોમવારે ભાજપા સાથે કોંગ્રેસે પણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની ચાર વિધાનસભા બેઠકો માટે પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી હતી. પાર્ટીએ હિમાચલ પ્રદેશના હમીરપુર અને નાલાગઢ મતવિસ્તારમાંથી ડૉ. પુષ્પેન્દ્ર વર્મા અને હરદીપ સિંહ બાવાને ટિકિટ આપી છે. જ્યારે લખપત બુટોલા અને કાઝી નિઝામુદ્દીનને ઉત્તરાખંડના બદ્રીનાથ અને મેંગ્લોર સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?
થોડા સમય પહેલાં જ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ હતી. તેમજ આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મેળવી હતી. ત્યારે ભાજપ હવે સત્તામાં આવી ગયું છે અને પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે ચારેય રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓના નામની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષના અંતમાં પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં 288 બેઠકો સાથે ઓક્ટોબર અથવા તે પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. તે જ સમયે, ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થવાનો છે. ગયા વખતે અહીં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં, આ વખતે પણ નવેમ્બર-ડિસેમ્બર અથવા તે પહેલાં ઝારખંડમાં 81 બેઠકો સાથે ચૂંટણી થવાની સંભાવના છે.
તેવી જ રીતે, હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થવાનો છે. અહીં છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર કે તે પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.