Comments

બિટકોઇન ફરી એકવાર ચર્ચામાં છે!

અગાઉ ખૂબ ગાજેલો અને પછી કંઇક ભૂલાઇ ગયેલો બિટકોઇન ફરી ચર્ચામાં આવ્યો છે. ક્રિપ્ટો કરન્સી કે ડિજિટલ ચલણ એવા  બિટકોઇનની કિંમતમાં વધારો ચાલી રહ્યો છે અને ગુરુવારે રાત્રે પ્રથમ વખત તેની કિંમત ૯૯૦૦૦ ડોલરને પાર ગઇ હતી. ફક્ત બે  સપ્તાહના સમયગાળામાં જ તેના ભાવમાં ૪૦ ટકા કરતા વધુનો વધારો થયો છે અને હવે બિટકોઇન ૧૦૦૦૦૦ ડોલર તરફ આગળ  વધી રહ્યો છે. અમેરિકાની ચૂંટણી યોજાય તેના થોડા સમય પહેલાથી બિટકોઇનની કિંમત વધવા માંડી હતી અને ચૂંટણીમાં રિપબ્લિકન  પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતા તો તેની કિંમત ઘણી વધી ગઇ છે કારણ કે ક્રિપ્ટો ટ્રેડરોને આશા છે  કે ટ્રમ્પ ક્રિપ્ટો માર્કેટને લાભ થાય તેવા પગલા ભરશે.

બે વર્ષ પહેલા ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સ પડી ભાંગતા આ જ બિટકોઇન ૧૭૦૦૦ ડોલર સુધી ગગડી ગયો હતો. હવે બે વર્ષના  સમયગાળામાં જ તે એક લાખ ડોલરની કિંમત તરફ આગળ વધી રહ્યો છે. તેની હાલની નાટ્યાત્મક આગેકૂચ એના પગલે આવી  હોવાનું કહેવાય છે કે જ્યારે ક્રિપ્ટો એક્સચેન્જના ખેલાડીઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે અમેરિકાનું આગામી ટ્રમ્પ પ્રશાસન ડિજિટલ  કરન્સીના નિયમનમાં વધુ ક્રિપ્ટો ફ્રેન્ડલી અભિગમ અપનાવશે. ગુરુવાર રાત પછી બિટકોઇન થોડો ઘટ્યો હતો શુક્રવારના શરૂઆતના પ્રવાહો મુજબ બિટકોઇન ૯૮૮૮૨ ડોલર પર ટ્રેડ  કરી રહ્યો હતો એમ કોઇનડેક્સ તરફથી જાણવા મળ્યું હતું.

જો કે તે થોડા સમયમાં એક લાખ ડોલરની કિંમત પર પહોંચી જાય તેવી આશા સેવાતી હતી. ક્રિપ્ટો માર્કેટમાં બધુ વોલેટાઇલ હોય છે ત્યારે ભવિષ્ય જાણવુ અસંભવ છે.  કેટલાક લોકો તેજી બાબતે ઉત્સાહી છે ત્યારે અન્ય નિષ્ણાતોએ રોકાણના જોખમો અંગે ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું છે. અને નિષ્ણાતોની ચેતવણી બિલકુલ યોગ્ય જ છે. આ બિટકોઇન રોકાણકારને તબાહ કરી નાખવા માટે પુરતો સક્ષમ છે! શેરબજારમાં તો તમે સાચવીને રમી શકો છો, જ્યારે આમાં તો જોખમનું પ્રમાણ ખુબ જ ઉંચુ રહે છે. બેઝિક રીતે ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ નાણુ છે. આ નાણુ કોઇ પણ મધ્યસ્થ નિયમન વિના ઓનલાઇન નેટવર્ક પર ચાલી રહ્યું છે. તેને કોઇ સરકાર કે બેન્કિંગ સંસ્થાનો ટેકો નથી અને તેના વ્યવહારો બ્લોકચેઇન તરીકે ઓળખાતી ટેકનોલોજી મારફતે નોંધાય છે.

બિટકોઇન એ  સૌથી મોટી અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી છે. જો કે ઇથેરિયમ, ટીથર અને ડોજેકોઇન વગેરે પણ સમયની સાથે ક્રિપ્ટો ચલણ તરીકે  લોકપ્રિય બન્યા છે પરંતુ સૌથી વધુ બોલબાલા બિટકોઇનની જ રહી છે. અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં અમેરિકાને વિશ્વની ક્રિપ્ટો રાજધાની બનાવવાની વાત કરી છે તેનાથી ક્રિપ્ટો ખેલાડીઓ ગેલમાં  આવી ગયા છે અને તેને કારણે જ બિટકોઇન ખૂબ વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે. ખરેખર તો ક્રિપ્ટોકરન્સીને કોઇક વ્યવસ્થિત નિયંત્રણ હેઠળ લાવવાની જરૂર છે.

ઘણા સમયથી ચર્ચા ચાલતી હોવા છતાં હજી કોઇ દેશની સરકારે આ બાબતમાં કોઇ નક્કર પગલુ ભર્યું નથી. જો ક્રિપ્ટોકરન્સીને મધ્યસ્થ બેન્કના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવે કે ક્રિપ્ટો એક્સચેન્જોને પણ માર્કેટ રેગ્યુલેટરોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવે તેનાથી ઘણા રોકાણકારોને એકંદરે સલામતી મળી શકે છે. આપણા ભારતમાં પણ બિટકોઇનમાં રોકાણ કરનારાઓનું પ્રમાણ નોંધપાત્ર થઇ ગયું છે. જો કે બિટકોઇનની કિંમત હાલ તો એટલી બધી વધી ગઇ છે કે ઘણા બધા રોકાણકારોનું એક બિટકોઇન ખરીદવાનું પણ ગજુ નથી. આથી એક્સચેન્જો હવે યુનિટમાં રોકાણ કરવાની સુવિધા આપે છે.

ભારતમાં બિટકોઇનમાં રૂ. પ૦૦ જેટલું રોકાણ પણ કરી શકાય છે અને ઘણા લોકો આ રીતે રોકાણ કરવા માંડયા છે. જે લોકો પોતાના ગજા મુજબ, અમુક મર્યાદિત રકમનું રોકાણ બિટકોઇનમાં કે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં કરે તેમને વાંધો નહી઼ આવે, પરંતુ જેઓ પોતાની જીવનભરની મૂડી આવી જોખમી સંપત્તિમાં ઠાલવી દે છે તેમને ઘણુ જોખમ રહે છે અને તેમની તબાહીની તકો ઘણી ઉંચી રહે છે. હાલ તો બિટકોઇનના ભાવ ખૂબ વધી ગયા છે પણ કેટલાક સમય પછી આ જ ભાવો ઉંધે મોઢે પછડાય તો નવાઇ નહીં.

Most Popular

To Top