Gujarat

રાજ્યના ૧૫ તાલુકામાં ‘બિરસા મુંડા લાયબ્રેરી’ શરૂ થશે

ગાંધીનગર : રાજ્ય સરકારે આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૫,૭૮૨ કરોડનું ઐતિહાસિક બજેટ ફાળવી મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આદિજાતિ ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું. વર્ષ ૨૦૨૬-૨૭ માટે આદિજાતિ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય રચાયા ત્યારે વર્ષ ૧૯૬૧માં આદિજાતિ અને સમાજ કલ્યાણ વિભાગનું સંયુક્ત બજેટ માત્ર રૂ. ૫૮ કરોડ હતું.

ત્યારબાદ લાંબા સમયગાળા સુધી આદિવાસી વિકાસ માટે મર્યાદિત ખર્ચ થયો હતો. વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે રૂ. ૧૫ હજાર કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી આ ક્ષેત્રે નવી દિશા આપી હતી.આ બજેટ હેઠળ રાજ્યના ૨૫ જેટલા વિભાગો દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં ઉમરગામથી અંબાજી સુધી રોડ-રસ્તાના નેટવર્ક માટે રૂ. ૬,૫૭૯ કરોડ, આદિજાતિ વિકાસ, ખાદી અને ગ્રામોદ્યોગ માટે રૂ. ૫,૪૨૫ કરોડ, સિંચાઈ અને પાણી પુરવઠા માટે રૂ. ૩,૩૦૯ કરોડ, શિક્ષણ માટે રૂ. ૩,૦૯૦ કરોડ, શહેરોમાં વસતા આદિવાસીઓની સુવિધા માટે રૂ. ૨,૯૪૫ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૨,૮૩૨ કરોડ તથા કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે રૂ. ૨,૬૨૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

વનાધિકાર બાબતે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પારદર્શક રીતે વનાધિકાર અધિનિયમનો અમલ કર્યો છે. અત્યાર સુધીમાં ૯૮,૯૩૫ વ્યક્તિગત દાવાઓ મંજૂર કરીને ૬૮,૬૫૧ હેક્ટર જમીન આપવામાં આવી છે. ઉપરાંત ૩,૮૭૯ સામુદાયિક દાવાઓ મંજૂર કરીને કુલ ૫,૮૧,૨૮૪ હેક્ટર જમીન આદિવાસી ભાઈ-બહેનોને ફાળવવામાં આવી છે.

આદિવાસી બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપતા પટેલે જણાવ્યું હતું કે આ બજેટનો મોટો હિસ્સો શિક્ષણ માટે ફાળવવામાં આવ્યો છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે, જેથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ યોજનાઓનો લાભ મળી શકે. અનુદાનિત રહેણાંક શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળતી વાર્ષિક સહાય રૂ. ૭૦ હજારથી વધારી રૂ. ૮૦ હજાર કરવામાં આવી છે, જેના માટે રૂ. ૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાન્ટ આધારિત આશ્રમશાળાઓ અને છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થામાં રૂ. ૨,૧૬૦થી વધારો કરીને રૂ. ૨,૫૦૦ કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આદિવાસી યુવાઓને તૈયાર કરવા પ્રથમ તબક્કે ૧૫ આદિજાતિ તાલુકાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અદ્યતન ‘બિરસા મુંડા લાયબ્રેરી’ સ્થાપિત કરવામાં આવશે.

Most Popular

To Top