Gujarat

વાવાઝોડાના લીધે દ્વારકાધીશના મંદિરમાં ઈતિહાસમાં પ્રથમ વખત સતત પાંચ દિવસ ધજા નહિં ચઢાવાય

દ્વારકા: અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘બિપોરજોય’ (Biporjoy cyclone) અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. આવતા 24 કલાકમાં તે ગુજરાતમાં (Gujarat) ત્રાટકશે. વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે ક્યાંક વરસદ (Rain) તો ક્યાંક ભારે પવન (Wind) ફૂંકાઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર, દ્વારકાથી 290, પોરબંદરથી 350 જ્યારે નલિયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડા દરમ્યાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ તેવી આગાહી કરવામાં આવી છે.

દ્વારકાધીશના મંદિરની ધજાને કાળિયા ઠાકોરને સમર્પિત કરાશે
દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટને લઈને દ્વારકાધીશના મંદિરને સતત 5 દિવસ ધજા ચઢાવવામાં આવશે નહિં. દ્વારકાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બનવા જઈ રહી છે જેમાં દ્વારકાધીશના મંદિર પર સતત પાંચ દિવસ એટલે કે 17 જૂન સુધી ધજા ચઢાવવામાં નહિં આવે. મંદિરના પૂજારીએ જાણકારી આપી છે કે મંદિરની ધજાને કાળિયા ઠાકોરને સમર્પિત કરવામાં આવશે. જેના કારણે આ આપત્તિ સામે કાળિયા ઠાકોર લડવાની ક્ષમતા આપે.

દ્વારકાવાસીઓનું માનવું છે કે કુદરતી આફતો, વાવાઝોડા સહિતનાં સંકટોમાં સાક્ષાત દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરે છે. જણાવી દઈએ કે સોમવારે દ્વારકાના મંદિર પર બે ધજા એકસાથે ચઢાવવામાં આવી હતી. બે ધજા સાથે ચઢાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે.

બુધવાર સવારથી જ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેના કારણે દ્વારકાવાસીઓના જીન ઉંચા થઈ ગયા હતા. દ્વારકાના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.  સંભવિત વાવાઝોડા સામે દ્વારકામાં નાગરિકો પણ તંત્ર સાથે ખભેખભો મિલાવીને ઊભા છે.

વાવાઝોડાની ગંભીરતાને લઈને સહાય માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી મંગળવારે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વાવાઝોડાને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જનતાને અપીલ કરી હતી કે તંત્ર દ્વારા તેઓને મળતી સૂચનાઓનું પાલન કરે.

Most Popular

To Top